કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ રાફેલ ડીલ અંગે વડાપ્રધાન મોદીને ફરી એક વખત ઘેરી લીધા છે. પીએમ મોદીએ અનિલ અંબાણીના મીડલમેન તરીકે કામ કર્યું હોવાનું જણાવી પીએમ દ્વારા મોટા પાયા પર ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. વડાપ્રધાને ઓફિસ ઓફ સિક્રેટ એક્ટનો ભંગ કર્યો છે અને તેમની સામે તાત્કાલિક ફોજદારી કાર્યવાહી કરવાની માંગ રાહુલ ગાંધીએ કરી હતી.
રાહુલ ગાંધીએ પીએમ મોદીને પર રાફેલ અંગે હુમલો કરતા કહ્યું કે પીએમ મોદીએ રાફેલ ડીલ અંગે ફ્રાન્સની સાથે સમાંતર વાતચીત કરી હતી. અંગ્રેજી અખબાર ધ હિન્દુના રિપોર્ટનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધીએ કહ્યું કે રક્ષા મંત્રાલય કહે છે કે પીએમઓ દ્વારા ફ્રાન્સની સાથે સમાંતર વાત કરવામાં આવી હતી આના કારણે રક્ષા મંત્રાલયની હાલત કમજોર થઈ હતી. વડાપ્રધાન આ અંગે જવાબ આપે.
રાહુલ ગાંધીએ કહ્યું કે ડીલા થઈ તેના 10 દિવસ પહેલાં અનિલ અંબાણી ફ્રાન્સ જાય છે અને ફ્રાન્સના ડિફેન્સ મિનિસ્ટ્રીને કહે છે કે પીએમ મોદી આવશે ત્યારે બધી પ્રક્રિયા કરવામાં આવશે. અનિલ અંબાણીએ પીએમ મોદી વતી અને પીએમ મોદીએ અનિલ અંબાણી વતી મીડલ મેનનું કામ કર્યું છે. ડિફેન્સને ખબર ન હતી, વિદેશ સચિવને ખબર નથી અને અનિલ અંબાણીને ખબર છે તો હવે આનાથી મોટા પુરાવા શું જોઈએ છે.
સંસદમાં કેગ રિપોર્ટ રજૂ થાય તે પહેલા રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં ઈમેલ રજૂ કરી જણાવ્યું કે પ્રધાન મંત્રી પર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવે. સંસદમાં રજૂ થવા જઈ રહેલો કેગ રિપોર્ટ એ ચોકીદાર કેગ રિપોર્ટ છે. કેગ રિપોર્ટમાં શું છે તે સમજી શકાય છે પરંતુ પુરાવાઓ સરકાર અને વડાપ્રધાનને ભ્રષ્ટાચારી કહી રહ્યા છે.
રાહુલે ફરીવાર કહ્યું કે વિપક્ષના જે કોઈ નેતા સામે તપાસ કરવા માંગતા હોય તેની સામે તપાસ કરો પરંતુ રાફેલ ડીલ અંગે પણ તપાસ કરાવો. રાફેલમાં દેશના હિતને નેવે મૂકીને સોદો કરવામાં આવ્યો છે. રાફેલમાં મોટું કૌભાંડ થયું છે અને વખતોવખત તેના પુરાવા રજૂ કરવામાં આવશે અને તમામની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.