રાજ્યપાલના હસ્તે કૃષ્ણગઢમાં ઐતિહાસિક વિકાસયાત્રાનો શુભારંભ
મહાનગરોમાં સ્થિર થઈ ગયેલા ઘણા લોકો પોતાના ગામને ભૂલી જાય છે, પરંતુ અમદાવાદના ઉદ્યોગપતિ સંજય મુંજપરા અને વિપુલ મુંજપરાએ આ વલણને બદલવા માટે અનોખી પહેલ કરી છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાનું નાનકડું કૃષ્ણગઢ ગામ વર્ષોથી પાયાની સુવિધાઓના અભાવ સાથે સંઘર્ષ કરતું આવ્યું છે. આશરે 1,200 લોકો વસતા આ ગામને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવા માટે મુંજપરા પરિવારએ 25 કરોડના ખર્ચે વિશાળ વિકાસપ્રકલ્પ હાથ ધર્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં આ પ્રોજેક્ટનો શુભારંભ થતા ગામમાં ઉત્સાહ અને આશાનો નવો માહોલ સર્જાયો છે.
પાણી, રસ્તા, સ્ટ્રીટ લાઇટ અને સીસીટીવી સહિત આધુનિક સુવિધાઓનું સ્વપ્ન હવે સાકાર
સાવરકુંડલાનું કૃષ્ણગઢ ગામ લાંબા સમયથી પીવાના પાણીની અછત, ખરાબ રસ્તાઓ, અપુરતી લાઇટિંગ અને ડ્રેનેજ જેવી સમસ્યાઓનો સામનો કરતું આવ્યું હતું. આ સમગ્ર પરિસ્થિતિને બદલી નાખવા માટે પ્રોજેક્ટ અંતર્ગત 3,800 રનિંગ મીટર લાંબી ડ્રેનેજ લાઈન, નવા પાણીના પાઈપલાઈન નેટવર્ક, 3 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારનો મજબૂત સીસી રોડ અને 350 સ્ટ્રીટ લાઈટ પોલ્સ સ્થાપિત કરવામાં આવશે. ગામની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારોને આવરી લેતી અદ્યતન સીસીટીવી સિસ્ટમ તૈયાર થશે. ગ્રામ પંચાયતના નવા ભવનથી લઈને પ્રાકૃતિક ખેતી માટે માર્ગદર્શન કેન્દ્ર સુધી, ગામની દરેક જરૂરિયાતને પહોંચી વળતા વિકાસકાર્યોથી કૃષ્ણગઢનું રૂપાંતરણ થવા જઈ રહ્યું છે.

મંદિર નવનિર્માણથી ગોકુળિયું ગામનો માર્ગ: સમાજ અને સંસ્કૃતિને નવી ઓળખ
પ્રોજેક્ટનો અગત્યનો ભાગ ખોડિયાર માતાના મંદિરનું ભવ્ય નવનિર્માણ છે, જે ગામની ભાવનાત્મક લાગણીઓને જોડે છે. ગામના મુખ્ય પ્રવેશદ્વાર પર સરદાર પટેલ અને કૃષ્ણકુમાર સિંહજીના નામે વિશાળ ગેટોનું નિર્માણ ગામની ઓળખને ઉમદા બનાવશે. આ વિકાસ માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરતો જ નહીં, પરંતુ ગ્રામ્ય સંસ્કૃતિ, પરંપરા અને આધ્યાત્મિકતાનો સમન્વય સાધતો પ્રયાસ બની રહ્યો છે. કાર્યક્રમ દરમિયાન સંજય મુંજપરાના 108 વર્ષના વડીલનું રાજ્યપાલના હસ્તે કરાયેલ સન્માન ગામની સંસ્કૃતિ પ્રત્યેની માન્યતા અને પરંપરા પ્રત્યેના આદરનું પ્રતિક બની રહ્યું છે.
રાજ્યપાલની પ્રશંસા અને પ્રાકૃતિક ખેતી તરફ દિશા દર્શાવતો સંદેશ
શુભારંભ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ મુંજપરા પરિવારના ગ્રામ વિકાસના અભિગમની ભાવપૂર્વક પ્રશંસા કરી. તેમણે જણાવ્યું કે જો મહાનગરોમાં વસતા વધુ ઉદ્યોગપતિઓ પોતાના ગામ માટે આવી જવાબદારી દાખવે, તો ગુજરાતના દરેક ગામને ગોકુળિયું બનાવવા સમય નહીં લાગે. સાથે સાથે તેમણે ખેડૂતોને પ્રકૃતિને અનુરૂપ ખેતી તરફ વળવા ખાસ પ્રેરણા આપી, જેથી ગામનો વિકાસ પ્રાકૃતિક અને લાંબા ગાળે ટકાઉ બની રહે.

કૃષ્ણગઢ બનશે મોડેલ વિલેજ: ભવિષ્યમાં અનેક ગામો માટે પ્રેરણા
કૃષ્ણગઢના સરપંચ હર્ષદ મુંજપરાએ આ વિકાસપ્રકલ્પને ગ્રામ્ય પરિવર્તન માટે ઐતિહાસિક ગણાવ્યો છે. તેમના જણાવ્યા મુજબ, આ કાર્ય પૂર્ણ થતા કૃષ્ણગઢ માત્ર સુવિધાસભર જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લામાં શ્રેષ્ઠ મોડેલ ગામ તરીકે ઓળખાવા લાગશે. 25 કરોડનો પ્રોજેક્ટ મુંજપરા પરિવારની વતનપ્રેમની ભાવના અને સમાજ પ્રત્યેની લાગણીની જીવતી મૂર્તિ છે. નગરોમાં સુવિધાઓ મેળવવા લોકો શહેરોની તરફ દોટ મૂકે છે, પરંતુ જો ગામમાં ગુણવત્તાસભર જીવનમૂલ્યો ઉપલબ્ધ થાય, તો ગામડાં પણ સમૃદ્ધ બની શકે છે. કૃષ્ણગઢની આ વિકાસયાત્રા અનેક ગામોને પ્રેરણા દેશે તે નિશ્ચિત છે.

