CBIના પૂર્વ ઈન્ચાર્જ વડા નાગેશ્વર રાવ અંગે સુપ્રીમ કોર્ટે સખત કાર્યવાહી કરી છે. કોર્ટે નાગેશ્વર રાવને અનોખી સજા સંભળાવી છે. કોર્ટે સજા સંભળાવતા નાગેશ્વર રાવ ખિસયાણા પડી ગયા હતા અને જવાબ આપવામાં ગેં-ગેં,ફેં-ફેં થઈ ગયા હતા.
બિહારના મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં સીબાઆઈના તપાસ અધિકારીની બદલી કરવા બદલ સીબીઆઈના પૂર્વ ઈન્ચાર્જ વડા એમ.નાગેશ્વર રાવ આજે સુપ્રીમ કોર્ટમાં હાજર થયા હતા. સુપ્રીમ કોર્ટે નાગેશ્વર રાવને શેલ્ટર હોમ કેસમાં તપાસ અધિકારીની બદલી ન કરવાનો હુકમ કર્યો હતો. પરંતુ નાગેશ્વર રાવે સુપ્રીમ કોર્ટના આદેશની ઐસી-તૈસી કરી તપાસ અધિકારી એ.કે.શર્માની બદલી કરી નાંખી હતી. આ મામલે કોર્ટે સ્વંભૂ ધ્યાન આપ્યું હતું અને નાગેશ્વર રાવને કોર્ટમા હાજર રહેવા જણાવ્યું હતું.
આજે કોર્ટમાં હાજર થયેલા નાગેશ્વર રાવ અને અન્ય અધિકારીઓને કોર્ટની અવમાનના કરવા બદલ કોર્ટ બંધ ન થાય ત્યાં સુધી એક ખૂણામાં બેસી રહેવાની સજા સંભળાવી હતી. આ પહેલાં રાવે કોર્ટમાં સોગંદનામું રજૂ કર્યું હતું અને સુપ્રીમ કોર્ટની માફી માંગી હતી. સોગંદનામામાં રાવે ભૂલનો સ્વીકાર કર્યો હતો અને લખ્યું હતું કે કોર્ટના આદેશ વિના મુખ્ય તપાસ અધિકારીની બદલી કરવી જોઈતી ન હતી.
કોર્ટે નાગેશ્વર રાવને કોર્ટ ઉઠતાં સુધીની સજા સંભળાવી હતી તો સાથો સાથ એક લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ કહ્યું કે અમે કોઈએ પણ આવું વિચાર્યું ન હતું. હું અહીંયા બેસીને વિચારું છું કે કોર્ટની ગરીમા જાળવવી જોઈએ. આ માત્ર અવમાનનાનો કેસ નથી પરંતુ ગ્રેવ મામલો છે.
કોર્ટે કહ્યું કે આ કેસનું સ્વત: ધ્યાન લેવામાં આવે છે અને મુઝફ્ફરપુર શેલ્ટર હોમ કેસમાં કોર્ટના આદેશને અવગણીને એ.કે.શર્માની બદલી કરવામાં આવી હતી. સીબીઆઈના તે વખતના ઈન્ચાર્જ વડાની નોંધ પરથી માલૂમ થાય છે કે તેમને કોર્ટના આદેશ અંગે જાણ હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે શું સજા આપી શકાય. 30 દિવસ માટે જેલમાં મોકલી શકીએ છીએ.
એટોર્ની જનરલે દયાના આધારે કાર્યવાહી કરવાની વિનંતી કરી હતી. એટોર્ની જનરલે કહ્યું કે કોર્ટનો ચૂકાદો સમજવામાં ભૂલ થઈ છે. જેથી કરીને આ મામલાના સહાનૂભૂતિપૂર્વક જોવામાં આવે. રાવનો 30 વર્ષનો નિષ્કલંક કરીયર છે.
તમામ પાસાઓને ધ્યાને લઈને કોર્ટે નાગેશ્વર રાવને એક દિવસ માટે એટલે કે આજે સાંજ સુધી કોર્ટના એક ખૂણામાં બેસી રહેવાની સજા સંભળાવી હતી.