Stock Market: શેર બજારે સપ્તાહમાં રોકાણકારો-કંપનીઓને રોવડાવ્યા
- મુકેશ અંબાણની નેટવર્થમાં 13,612 રુપિયાનો જંગી ઘટાડો થયો
- વિશ્વના અમીરોની યાદીમાં મુકેશ અંબાણી 14મા ક્રમે સરક્યા, અદાણી 100 બિલિયર ડોલરની ક્લબમાંથી બહાર ફેંકાઈ ગયા
- શુક્રવારે અમેરિકન અમીર લોકોની નેટવર્થમાં ભારે વધારો થયો
Stock Market: આ સમગ્ર સપ્તાહે સ્થાનિક શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન સેન્સેક્સમાં 4,000 પોઈન્ટથી વધુનો ઘટાડો થયો હતો અને રોકાણકારોને રૂ. 16 લાખ કરોડનું નુકસાન થયું હતું. શુક્રવારના ઘટાડાને કારણે દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીની નેટવર્થમાં 1.62 બિલિયન ડોલર એટલે કે લગભગ 13,612 કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. આ સાથે તેમની કુલ સંપત્તિ ઘટીને 105 બિલિયન ડોલર થઈ ગઈ છે. દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન વિશ્વના સૌથી અમીર લોકોની યાદીમાં 14મા ક્રમે અને એશિયામાં પ્રથમ સ્થાને છે. આ વર્ષે તેમની નેટવર્થ 8.93 બિલિયન ડોલર વધી છે.
દરમિયાન અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી 100 બિલિયન ડોલરની ક્લબમાંથી બહાર થઈ ગયા છે.
શુક્રવારે તેમની નેટવર્થમાં 942 મિલિયન ડોલરનો ઘટાડો થયો અને તે 18મા સ્થાને સરકી ગયા. આ સાથે તેમની કુલ સંપત્તિ ઘટીને 99.5 બિલિયન ડોલર થઈ ગઈ છે. આ વર્ષે તેમની નેટવર્થ 15.2 બિલિયન ડોલર વધી છે. વિશ્વની સૌથી મોટી રિટેલ કંપની વોલમાર્ટના સ્થાપક વોલ્ટન પરિવારના ત્રણ સભ્યોની નેટવર્થ હવે અદાણી કરતા વધુ છે. તેમાં જિમ વોલ્ટન (103 બિલિયન ડોલર), રોબ વોલ્ટન (100 બિલિયન ડોલર) અને એલિસ વોલ્ટન (100 બિલિયન ડોલર)નો સમાવેશ થાય છે.
વિશ્વના ટોચના 10 ધનાઢ્યો
શુક્રવારે અમેરિકન શેરબજારમાં જોરદાર વૃદ્ધિ જોવા મળી હતી. આ કારણે ત્યાંના અમીરોની નેટવર્થમાં નોંધપાત્ર વધારો થયો. વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલોન મસ્કની નેટવર્થમાં 6.73 અબજ ડોલરનો સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. તે 263 બિલિયન ડોલરની નેટવર્થ સાથે નંબર વન પર યથાવત છે. માર્ક ઝકરબર્ગ 211 બિલિયન ડોલરની નેટવર્થ સાથે બીજા સ્થાને છે અને જેફ બેઝોસ (209 બિલિયન ડોલર) ત્રીજા સ્થાને છે. બર્નાર્ડ આર્નોલ્ટ (193 બિલિયન ડોલર) ચોથા, લેરી એલિસન (183 બિલિયન ડોલર) પાંચમા, બિલ ગેટ્સ (161 બિલિયન ડોલર) છઠ્ઠા, લેરી પેજ (151 બિલિયન ડોલર) સાતમા, વોરેન બફેટ (146 બિલિયન ડોલર) આઠમા, સ્ટીવ બાલ્મર (145 બિલિયન ડોલર) નવમા અને સર્ગેઈ બ્રિન (142 બિલિયન ડોલર) દસમા સ્થાને છે.