એક જ ખેતરમાં પાંચ સ્તરની ખેતી: ધરતીની ઉર્વરતા બચાવતું અને આવક વધારતું મોડેલ
સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યમાં હવે ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યા છે. રાસાયણિક ઇનપુટનો ખર્ચ વધતો જાય છે અને જમીનની ઉર્વરતા ઘટતી જાય છે ત્યારે પ્રાકૃતિક ખેતી ખેડૂતોને ઓછી કિંમતમાં વધુ ઉત્પાદન આપતી પદ્ધતિ સાબિત થઈ રહી છે. ઘણા ખેડૂતો પરંપરાગત પાકોથી લઈ બાગાયતી અને શાકભાજી સુધીના વિવિધ પાકોમાં આ પદ્ધતિ અપનાવી લાખોની આવક હાંસલ કરી રહ્યા છે. ખાસ કરીને પ્રાકૃતિક પદ્ધતિથી બનેલા પાકનો બજારમાં પણ વધતો પ્રતિભાવ ખેડૂતોને વધુ પ્રોત્સાહન આપી રહ્યો છે.
કંટાસરના જગદીશભાઈ દેસાઈનું સફળ પંચસ્તરીય મોડેલ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કંટાસર ગામના ખેડૂત જગદીશભાઈ દેસાઈ છેલ્લા ઘણા સમયથી પ્રાકૃતિક ખેતીનો અભ્યાસ અને અમલ કરી રહ્યા છે. તેમણે 1 એકર જમીનમાં 2.5 વીઘાના વિસ્તારમાં પંચસ્તરીય મોડેલ વિકસાવ્યો છે, જેમાં વિવિધ બાગાયતી વૃક્ષો અને ઋતુ મુજબના પાકોનું સંયોજન કરવામાં આવ્યું છે. આ મોડેલનો મુખ્ય હેતુ એવી વ્યવસ્થા ઊભી કરવાનું છે કે ખેડૂતને વર્ષ દરમિયાન દરેક સિઝનમાં કંઈક ને કંઈક પાકનું ઉત્પાદન મળતું રહે. એક પાકનું ચક્ર પૂરું થાય ત્યાં સુધી બીજો પાક તૈયાર થાય — અને આ રીતે સતત આવકની સરવાણી જળવાઈ રહે.

સતત આવક માટે પાકોની સુમેળભરી રચના
જગદીશભાઈ કહે છે કે અગાઉ તેઓ પરંપરાગત ખેતી કરતા હતા, પરંતુ જમીનની ગુણવત્તા જાળવવા અને ઉપજમાં સ્થિરતા લાવવા તેમણે પ્રાકૃતિક પદ્ધતિ અપનાવી. પંચસ્તરીય મોડેલ બનાવ્યાને બે થી ત્રણ વર્ષ થયા છે અને હવે દરેક વૃક્ષમાંથી ઉત્પાદન શરૂ થઈ ગયું છે. દરેક સિઝનમાં અલગ વૃક્ષો ફળ આપે છે, જેના કારણે માસિક–વાર્ષિક બંને પ્રકારની આવક જાળવાઈ રહે છે.
આ સમગ્ર ખેતીમાં કોઈ રાસાયણિક ખાતર, દવા અથવા રસાયણ આધારિત સ્પ્રેનો ઉપયોગ થતો નથી. જગદીશભાઈ માત્ર ગાય આધારિત જૈવિક દ્રવ્યો, જીવામૃત અને વર્મી કમ્પોસ્ટ દ્વારા ખેતીનું સંચાલન કરે છે. તેમના જણાવ્યા મુજબ ગાય આધારિત ખેતી મારફતે જમીનની શક્તિ વધે છે અને પાક વધુ ટકાઉ બને છે.

એક જ ખેતરમાં મોસંબીથી લઈને એવોકાડો સુધીના પાક
તેમણે મોસંબી, જામફળ, લીંબુ, સીતાફળ અને એવોકાડો જેવા ઘણા બાગાયતી પાકોનું વાવેતર એક જ વિસ્તારમાં કર્યું છે. દરેક પાકના અલગ સમયમાં મળતા ઉત્પાદનને કારણે તેમને સતત આવક મળી રહી છે. આ મોડલથી પ્રેરાઈને આસપાસના ખેડૂતો પણ પ્રાકૃતિક ખેતી અપનાવવા માટે આગળ આવી રહ્યા છે.

