જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં લોકો આ ઘટનાની કડકમાં કડક ટીકા કરી વખોડી રહ્યા છે. આ દરમિયાન કોંગ્રેસના નેતા નવજોતસિંહ સિદ્વુએ પુલવામા હુમલા બાદ પોતાનો મંતવ્ય રજૂ કર્યો હતો. જેને લઈ તેમને ટ્રોલ કરવામાં આવ્યા હતા. લોકોએ સિદ્વુને કપિલ શર્મા શોમાંથી હાંકી કાઢવાની માંગ કરી હતી. સોની ટીવીએ સિદ્વુના વિરોધને પગલે લોકોની લાગણીને માન આપીને સિદ્વુને કપિલ શર્મા શોમાંથી કાઢી મૂકવાનો આકરો નિર્ણય લીધો છે. હવે શોમાં સિદ્વુની જગ્યાએ શોમાં અર્ચના પુરણસિંહ જોવા મળશે.
શું કહ્યું હતું સિદ્વુએ?
પૂર્વ ક્રિકેટર અને નેતા બનેલા સિદ્વુએ મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું કે શું કોઈ ચોક્કસ લોકોની કરતૂતોને લઈ સમગ્ર દેશને જવાબદાર ઠેરવવામાં આવશે. આ એક કાયરતાપૂર્ણ હુમલો હતો. હું તેની કડક ટીકા કરું છું. હિંસાને કોઈ પણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં. જેમણે આવું કર્યું છે તેમને તેની સજા મળવી જોઈએ.
આની સાથો સાથ સિદ્વુએ એવું પણ કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુદ્દાઓનો સ્થાયી ઉકેલ શોધવાની જરૂર છે. આતંકવાદીઓને દેશ, ધર્મ કે જાતિ હોતી નથી. કેટલાક લોકો માટે સમગ્ર પાકિસ્તાનને જવાબદાર ઠેરવી શકાય નહીં.
સિદ્વુની આવી ટીપ્પણીઓને લઈ લોકોએ ભારે નારજગી અને ગુસ્સો પ્રગટ કર્યો હતો અને સિદ્વુને કપિલ શર્માના શોમાંથી આઉટ કરવાની માંગ કરવામાં આવી હતી. ચેનલે સિદ્વુને બહારનો રસ્તો બતાવી દીધો છે.
અત્રે નોંધનીય છે કે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાનની શપથવિધિમાં હાજરી આપવાના મામલે તે વખતે પણ સિદ્વુને ટ્રોલ કરવામાં આવ્યા હતા.
ગુરુવારે જમ્મૂ-કાશ્મીરના પુલાવમામાં આત્મઘાતી હુમલામાં અત્યાર સુધી 49 જવાનોએ શહીદી વહોર લીધી છે. આ ઘટનાનાં દેશભરમા તીવ્ર પ્રત્યાઘાત પડ્યા છે. હુમલાની જવાબદારી જૈશે મહોમ્મદે સ્વીકારી છે. ફિદાયીની હુમલાખોરે વિસ્ફોટક ભરેલી કારને આર્મીના જવાનોની બસ સાથે અથડાવી નરસંહાર કર્યો હતો.