નસીર અહેમદ એક એવા જવાન હતા જેમણે 13મી ફેબ્રુઆરીએ પોતાનો જન્મ દિવસ મનાવ્યો હતો. નસીર અહેમદ સીઆરપીએફની 76મી બટાલીયનમાં સામેલ હતા. આતંકવાદીઓએ જમ્મૂ-શ્રીનગર હાઈવે પર સીઆરપીએફના કાફલા પર આત્મઘાતી કાર બોમ્બથી હુમલો કરી બસને ટારગેટ બનાવી હતી. નસીર અહેમદ તેના કમાન્ડર તરીકે તૈનાત હતા.
તે દિવસે કમાન્ડર નસીરને સખત તાવ હતો. તેમના મોટા ભાઈએ ફોન પર નસીરને આરામ કરવાની સલાહ આપી હતી અને રજા પર ઉતરી જવાનું કહ્યું હતું. પરંતુ નસીર પોતાની ફરજપરસ્તીને નિભાવાનું નક્કી કર્યું અને કાશ્મીર ખીણની બોર્ડર પર પહોંચવાનો નિર્ધાર કર્યો.
પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તાવ સાથેની આ સફર અંતિમ બની રહેશે.
નસીર અહેમદના ઘરે ગામલોકોનું સતત આવાગમન ચાલી રહ્યું છે. રાજૌરીના નાનકડા ગામે આતંકવાદ સામે લાંબી લડાઈ લડી છે. ગામના યુવા ઝહીર અબ્બાસે મીડિયાને કહ્યું કે કટ્ટરવાદ વિરુદ્વ લડતા-લડતા ગામને ઓછામાં ઓછા 50 લોકોએ બલિદાન આપ્યા છે.
22 વર્ષથી સીઆરપીએફમાં ફરજ બજાવી રહેલા નસીર પોતાના પરિવાર સાથે જમ્મૂમાં જ રહેતા હતા. તેમના બાળકો પણ જમ્મૂની જ શાળામાં અભ્યાસ કરે છે.
નસીરની શહીદી બાદ શુક્રવારે તેમના પત્ની શાઝીયા કૌસર અને બાળકો મોડી સાંજ સુધી ગામ પહોંચ્યા ન હતા. નસીરની મોટી દિકરી ફલક અને પુત્ર કાશીફ પિતાની શહીદી અંગે અજાણ હતા. તેમને ખબર જ ન હતી કે તેમના પિતા હંમેશા માટે અલવિદા કહી ગયા છે.
કમાન્ડર નસીર અહમદ નાના હતા ત્યારે જ માતા-પિતાનું નિધન થયું હતું. તેમના મોટા ભાઈ સિરાજુદ્દીને નસીરનું ભરણ-પોષણ કરી ઉછેર કર્યો હતો. સિરાજ પોતે પણ પોલીસ કર્મચારી છે. પોતાના ભાઈને યાદ કરી સિરાજ કહે છે કે દેશ માટે નસીર કુરબાન થઈ ગયો છે. તેણે પોતાની ફરજ બખૂબી નિભાવી છે.
સિરાજ કહે છે કે હું ઈચ્છતો ન હતો કે નસીર પણ વર્દીવાળી નોકરી કરે. પરંતુ શરૂઆતમાં જ તેની અંદર દેશ પ્રત્યે કામ કરવાની ઈચ્છા જાગી અને તે આર્મીમાં ભરતી થઈ ગયો. તેણે મારું કશું પણ સાંભળ્યું ન હતું. નાની ઉંમરમાં આવી રીતે ચાલ્યા જવાથી બહુ લાગી આવે છે. તેની ખોટ સાલશે પણ દેશભક્ત નસીરને લોકો યાદ કરશે.
તે કહે છે કે હવે હું એકલો થઈ ગયો છું. તેના બે નાના બાળકો છે. તેમને હજુ ભણાવવાના છે. ઉછેર કરવાનો છે. બહુ લાંબી મજલ છે, કેવી રીતે પાર પડશે. સરાકરે હવે હિંમત બતાવવી પડશે કે હવે પછી આવી ઘટના ન બને. લોકોના ઘરોમાં આગ ન લાગે અને જવાનોને બચાવવા જોઈએ.
સિરાજનું કહેવું છે કે આર્મીનો કાફલો પોતાના રસ્તેથી જઈ રહ્યો હતો. તેને કશાથી પણ લેવા-દેવા ન હતી અને અચાનક હુમલો થયો અને કેટલાય લોકો માર્યા ગયા. મારો ભાઈ દેશ માટે શહીદ થયો. કમાન્ડર નસીરના બાળકો નાના છે અને તેમને સહાયની જરૂર છે. સરકારે બાળકો માટે કશુંક ચોક્કસ કરવું જોઈએ.