વડોદરાના તુલસીવાડી વિસ્તારમાંથી આજે નીકળેલા એક વરઘોડામાં ફિલ્મી ગીતોને બદલે દેશ ભક્તિના ગીતો વગાડીને વરરાજા તથા જાનૈયાઓએ આતંકી હુમલામાં શહિદ થયેલા જવાનોને શ્રધ્ધાંજલિ આપી હતી.
વરરાજા મનીષ કહે છે કે, મારા લગ્નની તારીખ પહેલેથી જ નક્કી હતી. મહેમાનોને કંકોતરીઓ પણ વહેંચાઈ ગઈ હતી. હોલ, કેટરિંગ અને ડીજે પણ બુક કરાવી દેવાયુ હતુ. રુપિયા 20,000ના ફટાકડા પણ ખરીદાઈ ગયા હતા.
એટલે લગ્નનો પ્રસંગ મુલતવી રાખી શકાય તેવી સ્થિતી ન હતી. આખરે, અમે લગ્નને બિલકુલ સાદાઈથી કરવાનો નિર્ણય લીધો હતો. મારુ લગ્ન આજે કારેલીબાગના મેઘદૂત હોલમાં યોજાવાનું હતુ. એટલે વરઘોડો અમે હાથીખાનાથી કાઢ્યો હતો. પરંતુ, ફટાકડા ફોડવાનું બંધ રાખ્યુ હતુ.
આ વરઘોડામાં કોઈ ફિલ્મી ગીતો વગાડવામાં આવ્યા ન હતા અને પ્રત્યેક જાનૈયાના હાથમાં તિરંગો હતો. ફુલોથી સજાવાયેલી બગીમાં શહિદોને શ્રધ્ધાંજલિના પોસ્ટરો લગાવાયા હતા.
તમામ લોકો માંગલિક પ્રસંગમાં જોડાયા હતા પરંતુ, કોઈના ચહેરા ઉપર ઉત્સાહ ન હતો. આખરે, અમે બિલકુલ સાદાઈથી લગ્નના આ પ્રસંગને આટોપી લીધો હતો. અલબત્ત, લગ્નમાં આવેલા ચાંલ્લાની રકમ પણ અમે શહિદોના પરિવારજનોને આપવાનો નિર્ણય લીધો હતો.