2001માં બનેલા ઊંઝા પાસેના ઉનાવા ગામ પાસે બનેલા બાયપાસ માર્ગ માટે જમીન ગુમાવનારા 59 ખેડૂતોને હજુ સુધી વળતર ન આપતાં ફરી એક વખત માર્ગ અને મકાન વિભાગની મિલકત જપ્ત કરી દેવા અદાલતે જપ્તી વોરંટ વહાર પાડતાં ખેડૂતો પોલીસ લઈને અધિકારી પાસે પહોંચી ત્યારે ફરી એક વખત ખેડૂતોને રકમ આપવા માટે વાયદો કરાયો હતો. આવું 18 વર્ષથી ચાલી રહ્યું છે. જ્યારથી ભાજપની સરકાર આવી ત્યારથી ખેડૂતો ન્યાય માટે લડી રહ્યાં છે.
24 જૂન 2015માં જમીનનું વળતર વ્યાજ સાથે ચૂકવવા માર્ગ અને મકાન વિભાગની મિલકતો જપ્ત કરી લેવા મહેસાણા કોર્ટે કાઢેલું જપ્તી વોરંટ સ્વિકારવાનો અધિકારીએ ઈન્કાર કરતાં ખેડૂતો વિફર્યા હતા. ગભરાયેલા અધિકારીઓએ 22 જુલાઈ 2015 સુધીમાં રૂ.1.25 કરોડ ચુકવાની લેખિત બાહેંધરી આપતાં વોરંટ બજવણીની કામગીરી મોકૂફ રખાઈ હતી. ખેડૂતો સાથે કોર્ટના બેલીફ એન.જે.રબારી સહિત માર્ગ અને મકાન વિભાગની કચેરીએ જપ્તી વોરંટ આપવા ગયા હતા.
પહેલાં તો તેમને પણ વોરંટ લેવાનો ઈન્કાર અધિકારીઓએ કર્યો હતો. ઊંઝા તાલુકાના ઉનાવા ગામના રમણ ગોપાલ પટેલ, ચતુર પરષોતમ પટેલ સહિત ખેડૂતોની જમીન 1 ચો.મી.ના રૂ 11ના ભાગે સંપાદિત કરી હતી. 2001માં માર્ગ અને મકાન વિભાગ દ્વારા ખેડૂતોની જમીનના વળતર પેટે રૂ.4 કરોડ જેટલી રકમ ચુકવવાની થતી હતી. જેનો પ્રથમ હપ્તો ચૂકવાયા બાદ ખેડૂતોને બીજી કોઈ રકમ મળી નહોતી.
ફરી એક વખત સરકારી મિલકત જપ્ત કરીને પણ ખેડૂતોને બાકી રહેલું વળતર વ્યાજ સાથે ચૂકવવા આદેશ કરાયો છે. ખેડૂતો 18 વર્ષથી લડી રહ્યાં છે.