શિક્ષણ ક્ષેત્રમાં નકલી માર્કશીટ કૌભાંડો વધી રહ્યા, વહીવટીતંત્ર પર સવાલો ઉઠ્યા
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિને જનજાતિય ગૌરવ વર્ષ તરીકે રાજ્યભરમાં ઉજવાઈ રહી છે, છતાં ગાંધીનગર જિલ્લામાં યોજાયેલા મુખ્ય કાર્યક્રમના ઇ-નિમંત્રણમાં એકપણ આદિવાસી નેતાનું નામ સામેલ ન હોવું ચર્ચાનો વિષય બન્યું છે. ગાંધીનગર ટાઉનહોલ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મહેમાન તરીકે મેયર, જિલ્લા પંચાયત પ્રમુખ, ધારાસભ્યો અને સાંસદો ઉપસ્થિત રહ્યાં, પરંતુ જનજાતિ સમાજનું પ્રતિનિધિત્વ કરતું એકપણ નામ જોવા મળ્યું ન હતું. ગાંધીનગરમાં આદિવાસી વસતી ઓછી હોવા છતાં, આદિવાસી અધિકારીઓ તથા આગેવાનો હાજર હોઈ શકે એમ છતાં કાર્યક્રમમાં તેમની અનુલક્ષી ગેરહાજરીથી આશ્ચર્ય વ્યક્ત કરવામાં આવ્યું.
વલસાડમાં યોજાનારી રાજ્ય ચિંતન શિબિરમાં આઠમા પગારપંચ પર ચર્ચા થવાની શક્યતા
વડાપ્રધાનના કાર્યક્રમને કારણે મુલતવી રહેલી રાજ્યની વાર્ષિક ચિંતન શિબિર હવે 27 થી 29 નવેમ્બર દરમ્યાન વલસાડના ધરમપુર નજીક રાજચંદ્ર આશ્રમ ખાતે યોજાવાની છે. આ શિબિરનું મહત્વ એટલા માટે વધ્યું છે કે તેમાં આઠમા પગારપંચ પર આંતરિક ચર્ચા થવાની સંભાવના છે. મુખ્યમંત્રી, નવું મંત્રીમંડળ, આઇએએસ અધિકારીઓ, કલેક્ટરો, મ્યુનિસિપલ કમિશનરો સહિત મુખ્ય વહીવટીતંત્ર આ ત્રણ દિવસની શિબિરમાં જોડાવાના છે. આવનારા બજેટ, સ્થાનિક ચૂંટણીઓ અને નવી નીતિઓ અંગે વિચારવિમર્શ કરવામાં આવશે. આ વખતે શિબિર પ્રકૃતિની વચ્ચે શિયાળાની કડકડતી ઠંડીમાં યોજાવાની હોઈ વધુ ચર્ચિત બન્યું છે.

રાજ્યમાં ઇ-રૂપી સ્કીમ: સસ્તા અનાજ વિતરણમાં ગેરરીતિઓ અટકાવવાનો પ્રયાસ
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે સસ્તા અનાજની દુકાનોમાં થતી ગેરરીતિઓ રોકવા માટે ઇ-રૂપી નામની નવી યોજના અમલમાં મુકવાની તૈયારી કરી છે. આ સ્કીમ હેઠળ દુકાનદારોને સીધા ઇ-વોલેટમાં રૂપિયા આપવામાં આવશે અને તેઓ માત્ર નક્કી કરેલી ચીજવસ્તુઓ જ ખરીદી શકશે. આ વ્યવસ્થા થકી ગેરવપરાશ પર નિયંત્રણ આવી શકશે તેમજ સસ્તું અનાજ ખાનગી બજારમાં વળગતું અટકશે. રાજ્ય સરકારે ભાવનગરમાં શરૂ કરેલ ફૂડ એટીએમ મૉડલની અસરકારકતા જોઈ અન્ય જિલ્લાઓમાં પણ તેનો વિસ્તાર કરવાનો આયોજન કર્યો છે.
બિરસા મુંડાના ઇતિહાસ અંગે અધિકારીઓ અજાણ, માહિતી છત્તીસગઢમાંથી મંગાવવી પડી
રાજ્ય સરકાર દ્વારા બિરસા મુંડાની જન્મજયંતિ ભવ્ય રીતે ઉજવાઈ હોવા છતાં કેટલાક અધિકારીઓને બિરસા મુંડા કોણ હતા તેનો પૂરતો અંદાજ ન હતો. આયોજનમાં જોડાયેલા અધિકારીઓએ તેમની જીવનકથા અને કાર્ય જાણવામાં મુશ્કેલી અનુભવતાં છત્તીસગઢમાંથી માર્ગદર્શક માહિતી મંગાવવી પડી. 1875માં જન્મેલા બિરસા મુંડાએ બ્રિટીશ શાસન સામે આદિવાસીઓને એકત્રિત કરી લડત આપી હતી અને આજે પણ અનેક રાજ્યોમાં તેમને ભગવાન સમાન પૂજવામાં આવે છે.
શિક્ષણ પ્રણાલીમાં નકલી માર્કશીટ કૌભાંડો, જિલ્લામાંથી રાજ્યસ્તર સુધી ચિંતા
રાજ્યના શિક્ષણ ક્ષેત્રમાં છેલ્લા સમયમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી રહી છે. નકલી માર્કશીટ અને સર્ટિફિકેટના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. ભરૂચના એસઓજીએ રેડ કરીને નકલી ડિગ્રી કૌભાંડ ભાંડી કાઢ્યું જેમાં ધોરણ 10, 12 અને આઇટીઆઇની નકલી માર્કશીટ 15 હજાર રૂપિયામાં વેચાતી હોવાનું બહાર આવ્યું. દિલ્હી સ્થિત ગેંગ દ્વારા તૈયાર થતા આ નકલી સર્ટિફિકેટો અંકલેશ્વરમાં પહોંચાડવામાં આવતા હતા. તપાસ વધે તો વધુ મોટા કૌભાંડો સામે આવી શકે એવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

GPSCની ધીમી પ્રક્રિયા પર સવાલ, UPSCના ઉમેદવારો રાજ્ય તંત્ર તરફ આકર્ષાયા
ગુજરાતના અનેક યુવાન હવે UPSCની સ્પર્ધાત્મક દુનિયામાં આગળ વધવા પ્રયત્ન કરી રહ્યા છે. SPIIPAમાં તાલીમ માટે રેકોર્ડબ્રેક 19 હજારથી વધુ અરજીઓ આવી છે. UPSCમાં સતત સફળતા મેળવનારા ઉમેદવાર વિપુલ ચૌધરીને GPSCએ ઈન્ટરવ્યૂમાં માત્ર 20 ગુણ આપ્યા હતા, જ્યારે UPSCના ઇન્ટરવ્યૂ માટે તેઓ ત્રીજીવાર લાયક ગણાયા છે. GPSCએ ઓક્ટોબર 2024ની મુખ્ય પરીક્ષાનું પરિણામ 13 મહિનાથી વધુ સમય બાદ પણ જાહેર કર્યું નથી, જેને લઈને ચર્ચા અને અસંતોષ વધ્યો છે.
વહીવટીતંત્રમાં ફેરબદલની શક્યતા, ચીફ સેક્રેટરી વધારાનો ચાર્જ સંભાળી રહ્યાં
રાજ્યના વહીવટી તંત્રમાં આવતા દિવસોમાં કેટલાક ફેરફારો થવાની સંભાવના છે. ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગ ખાલી થતાં નવા અધિકારીઓની નિમણૂંક જરૂરી બની છે. હાલમાં 14 જેટલા અધિકારીઓ પાસે વધારાનો ચાર્જ છે અને પહેલીવાર રાજ્યના ચીફ સેક્રેટરી મહત્વપૂર્ણ વિભાગનું વધારાનું કામકાજ સંભાળી રહ્યા છે. જાન્યુઆરીથી મોટા પાયે બ્યુરોક્રેટિક ફેરબદલો થઈ શકે એવી સંભાવના વ્યક્ત થાય છે.

