સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું કે ફ્રાન્સ સાથે 36 રાફેલ લડાયક વિમાન ખરીદવા થયેલી ડીલ અંગે 14મી ડિસેમ્બરે તપાસ કરવાની અરજી ફગાવી દેવામાં આવી હતી. તેની ફરીવાર સમીક્ષા કરવામાં આવશે અને અપીલોને લિસ્ટેડ કરવા માટે વિચારણા કરવામાં આવશે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું કે રાફેલ મુદ્દે ચાર પીટીશન દાખલ કરવામાં આવી છે અને એક પીટીશન ક્ષતિના કારણે રજિસ્ટ્રીમાં જ પડેલી છે.
સુપ્રીમ કોર્ટની બેન્ચમાં જસ્ટીસ એલએન રાવ અને જસ્ટીસ સંજીવ ખન્ના પણ છે. જ્યારે પ્રશાંત ભૂષણે પીટીશન્સને તત્કાળ લિસ્ટેડ કરવાની માંગ કરી તો અદાલતે કહ્યું કે બેન્ચમાં ફેરફાર કરવો પડશે. ભૂષણે કહ્યું કે આમ આદમી પાર્ટીના રાજ્યસભાના સાંસદ સંજયસિંહની પીટીશનમાં ખામી છે જ્યારે અન્ય પીટીશનમાં ખામી નથી. આ ઉપરાંત પીટીશનની સાથે કેન્દ્ર સરકારના કર્મચારીઓ વિરુદ્વ કોર્ટને ગેરમાર્ગે દોરવા બદલ તેમની સામે કાર્યવાહી કરવા અને તેમના વિરુદ્વ કેસ ચલાવાની માંગ પણ કરવામાં આવી છે.
પાછલા વર્ષે 14 ડિસેમ્બરે સુપ્રીમ કોર્ટે કેટલીક પીટીશન ફગાવી દીધી હતી. આ પીટીશનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંતસિંહા અને અરુણ શૌરી ઉપરાંત વકીલ પ્રશાંત ભૂષણની પીટીશન પણ સામલે હતી. તે વખતે કોર્ટે કહ્યું હતું કે ફ્રાન્સથી 36 રાફેલ વિમાન ખરીદવાના કેન્દ્ર સરકારના નિર્ણયમાં શંકાનો કોઈ પ્રશ્ન જ નથી. ભૂષણ, સિંહા અને શૌરીએ કોર્ટમાં ખોટી જાણકારી આપવા મામલે કેન્દ્ર સરકારના કર્મચારીઓ વિરુદ્વ કાર્યવાહી કરવાની માંગ કરી છે.
રાફેલ ડીલ અંગેનો કેસ કલમ 193 અને કલમ 195 અંતર્ગત દાખલ કરવાની માંગ કરવામાં આવી છે. આ કલમો ખોટા પ્રમાણ આપવા અને ખોટા દસ્તાવેજ રજુ કરવાના અધિકારીઓ માટે બનેલા કાયદાની અવમાનના સાથે સંબંધિત છે. અપીલમાં કહેવાયું છે કે કોર્ટમાં રજુ કરાયેલા દસ્તાવેજોમાં મહત્વની જાણકારી છુપાવવામાં આવી છે. કોર્ટને ગેરમાર્ગે દોરનારા અધિકારીઓની ઓળખ કરી તેમની વિરુદ્વ કેસ ચલાવવામાં આવે.
અપીલમાં કેગ રિપોર્ટનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પીટીશનમાં કહેવાયું છે કે જ્યારે કેગ રિપોર્ટ રજૂ જ કરાયો ન હતો તો કોર્ટમાં તેનો ઉલ્લેખ કરી ગેરમાર્ગે દોરવામાં કેમ આવ્યું છે. પોતાની ભૂલ માનવાના બદલે સરકારે પ્રિન્ટીંગ મિસ્ટેક અને વ્યાકરણની ભૂલ હોવાનું જણાવ્યું છે.
રાફેલ ડીલ અંગે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી સતત પીએમ મોદી પર નિશાન તાકી રહ્યા છે અને રાફેલમાં પીએમ મોદી સીધા સંડોવાયેલા હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.