પાકિસ્તાનમાં વરસી રહેલા મૂશળધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ પ્રવર્તી છે અને અનેક સ્થળે ભૂસ્ખલનની ઘટનાઓ પણ સામે આવી છે. વરસાદના તાંડવે ગુરુવારે પાકિસ્તાનમાં ૨૬ જેટલા લોકોનો ભોગ લીધો હોવાના સમાચાર મળી રહ્યા છે.
પાકિસ્તાનના હવામાનમાં પલટો આવતા ગુરુવારે મૂશળધાર વરસાદ સાથે પૂર અને ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ હતી. અસ્ખલિત વરસાદ, પૂર અને ભૂસ્ખલન વગેરેને કારણે પાકિસ્તાનના વિવિધ પ્રાંતમાં કુલ ૨૬ જેટલા લોકો મોતને ભેટયા છે.
પાકિસ્તાનના ખૈબર-પખ્તૂનખ્વા પ્રાંતમાં ભારે વરસાદને લીધે ૧૦ લોકોના મોત થયા છે જ્યારે દીર વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે બે બાળકો અને એક મહિલા સહિત ચાર લોકોના મોત થયા છે.
અસ્ખલિત વરસાદના કારણે પાકિસ્તાનની રાજધાની પેશાવરમાં પૂરની સ્થિતિ પ્રવર્તી છે જ્યારે બલૂચિસ્તાનના લસબેલા જિલ્લાની દક્ષિણ પશ્ચિમ દિશામાં આવેલા ગામડાઓમાં પણ પૂરના પાણી ફરી વળ્યા છે. લસબેલા જિલ્લાના લોકોને પૂરમાંથી બહાર કાઢવા માટે ઈમરજન્સી સેવા કાર્યરત થઈ ગઈ છે.
પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલી લિયાહ ઘાટીમાં હિમપ્રપાતના કારણે એક બાળકનું મોત થયું છે અને બે લોકોને ઈજા પહોંચી છે. આ ઉપરાંત છત ધસી પડવાના કારણે પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવેલા મુલતાન ખાતે ત્રણ બાળકો સહિત ચારના મોત થયા છે અને એક મહિલાને ઈજા પહોંચી છે, ફારુકાબાદમાં એક યુગલ દટાઈ ગયું છે તથા કહુટામાં એક બાળકનું મોત થયું છે અને ત્રણને ઈજા પહોંચી છે.