IPL-12ની ઓપનીંગ સેરેમની યોજવામાં આવશે નહી. પુલવામામાં આતંકી હુમલામાં શહીદ થયેલા જવાનોના માનમાં ઓપનીંગ કાર્યક્રમ નહીં રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ કાર્યક્રમના રૂપિયા શહીદ જવાનોના પરિવારજનોને આપવામાં આવશે.
IPLના CoA ચીફ વિનોદ રાયે ઓપનીંગ સેરેમની અંગે જાહેરાત કરતા કહ્યું કે આઈપીએલનો ઓપનીંગ કાર્યક્રમ રાખવામાં આવશે નહી. સુપ્રીમ કોર્ટે કમિટી ઓફ એડમિનિસ્ટ્રેશન(CoA)ની રચના કરવાનું કહ્યું હતું અને BCCIએ તે પ્રમાણે CoAના ચીફ તરીકે વિનોદ રાયની નિમણૂંક કરી છે. રાયે કહ્યું કે પ્રોગ્રામના બજેટના રૂપિયા પુલવામાના આંતકી હુમલામાં શહીદ થયેલા જવાનોના પરિવારજનોને ડોનેટ કરવામાં આવશે.
વિનોદ રાયે વધુમાં કહ્યું કે પાકિસ્તાન સાથે વર્લ્ડ કપમાં મેચ રમવા અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આતંકવાદ પેદા કરતા દેશ સાથે ક્રિકેટ ટાઈઅપ નહીં કરવા માટે ક્રિકેટ રમતા દેશો સમક્ષ વાત રજૂ કરવામાં આવશે ત્યાર બાદ કોઈ નિર્ણય કરવામાં આવશે. આ ઉપરાંત આઈસીસીને પણ આ અંગે પ્રસ્તાવ મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય કર્યો નથી અને જૂન મહિનામાં રમાનારી મેચ અંગે પણ કોઈ નિર્ણય કરાયો નથી.
તેમણે કહ્યું કે આઈસીસીને ખેલાડીઓની સલામતી અંગે ધ્યાન કેન્દ્રીત કરવાનું કહેવામાં આવ્યું છે. જ્યારે અન્ય દેશોના ધ્યાન પર આતંકવાદ ફેલાવતા દેશ સાથે ક્રિકેટ સંબંધનો અંત આણવાની વાત રજૂ કરવામાં આવશે.