કોંગ્રેસના ધારાસભ્ય આશા પટેલે ઉંઝાના ધારાસભ્ય પદેથી સીધું રાજીનામું ધરી દીધા બાદ ભાજપમાં અટકળો ચાલી રહી છે કે હવે આ સીટ પરથી વિધાનસભાની ચૂંટણી કોણ લડશે? હાલમાં નારણ પટેલને ફરી ચૂંટણી લડાવવાની માંગ કરવામાં આવી રહી છે પરંતુ તેમનું જેટલું સમર્થન છે તેટલો વિરોધ પણ થઈ રહ્યો છે.
મહેસાણા આમ તો ભાજપનું ગઢ જ રહ્યું છે. પરંતુ આ વખતે પાટીદાર ફેક્ટરે કોંગ્રેસને જીતાડી બતાવ્યું. કોંગ્રેસે મહેસાણા જિલ્લાની ઉંઝા બેઠક જીતી તો લીધી પણ વિજયને પચાવી શકયા ન હોવાની છાપ ઉપસી રહી છે. આશા પટેલે જે પ્રકારે ઘડામ દઈને ધારાસભ્ય પદને જ છોડી દીધું તે જોતાં ઉંઝા-મહેસાણામાં કોંગ્રેસની સ્થિતિ કોથળામાંથી બિલાડું નીકળવા જેવી બની છે.
હવે ટૂંક સમયમાં અથવા લોકસભાની ચૂંટણી યોજાય તો તેની સાથે ઉંઝા વિધાનસભાની ચૂંટણી પણ ઢબુકડી યોજાશે. હવે ઉંઝા વિધાનસભામાં ભાજપ આશા પટેલને ઘારાસભાની ટીકીટ આપશે નહીં એવા પ્રકારની અટકળ છે. આશા પટેલને ભાજપ લોકસભા લડાશે એવી વાતો અને પ્રચાર કરવામાં આવી રહ્યો છે. તો ઉંઝા બેઠક પરથી ભાજપ કોને મેદાનમાં ઉતારશે.
2017માં ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન તે વખતના સુરતના કલેક્ટર અને આઈપીએસ અધિકારી મહેન્દ્ર પટેલનું નામ ખાસ્સું ગાજ્યું હતું. મહેન્દ્ર પટેલને ઉંઝાની ટીકીટ મળશે એવી વાતો પર જોરશોરથી કરવામાં આવી હતી. પરંતુ ભાજપે મહેન્દ્ર પટેલને ટીકીટ નહીં આપી. મહેન્દ્ર પટેલે મહેસાણા-ઉંઝામાં અનેકવિધ સંસ્થાઓ સાથે કામ કર્યું છે અને તેમને ટીકીટ આપવામાં આવે તેના માટે ઉંઝામાંથી પણ માંગ ઉભી થઈ હતી. હવે ફરી વાર ઉંઝાની બેઠક માટે મહેન્દ્ર પટેલનું નામ ચર્ચામાં આવ્યું છે.