સારવાર માટે અમદાવાદ લઈ જતી એમ્બ્યુલન્સમાં ભભૂકી આગ
મોડાસાના રાણાસૈયદ ચોકડી વિસ્તારમાં મધરાતે એક હૃદયદ્રાવક ઘટના બની હતી જેમાં સારવાર માટે લઈ જવામાં આવતી એમ્બ્યુલન્સ અચાનક જ આગની ઝપેટમાં આવી ગઈ. થોડા જ ક્ષણોમાં આખું વાહન ધધકી ઉઠતાં ડોક્ટર, નર્સ, નવજાત શિશુ અને તેના પિતાનું દૂખદ અવસાન થયુ. ઘટનામાં બચી ગયેલા એમ્બ્યુલન્સ ચાલક સહિત ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે અને તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. એક દિવસના બાળકને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે માર્ગમાં આ દુર્ઘટના બની હતી.
થોડા જ પળોમાં આગે લીધા જીવ, ફૂટેજમાં કાળી હકીકત
આગ કેવી રીતે લાગી તે હજી સ્પષ્ટ નથી, પરંતુ ઘટનાના સીસીટીવી દૃશ્યોમાં આગ લાગ્યાના થોડા જ સેકન્ડોમાં આખી એમ્બ્યુલન્સ ધગધગતી દેખાઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે અંદર હાજર લોકોને બહાર કાઢવાનો કોઈ અવકાશ જ રહ્યો નહોતો. ફાયર વિભાગે ઘટનાસ્થળે પહોંચી આગ કાબૂમાં લીધી, પરંતુ માનવીય જાનહાનિ અટકી ન શકી.

ડોક્ટર, નર્સ અને નવજાતનું કરુણ અવસાન
પ્રાપ્ત વિગતો મુજબ મોડાસાની રિચ હોસ્પિટલમાંથી એક દિવસના નવજાતને વધુ સારવાર માટે અમદાવાદ લઈ જવામાં આવી રહ્યું હતું. એ દરમ્યાન થયેલી આગમાં હિંમતનગરના ડોક્ટર રાજ રેંટિયા, નર્સ ભાવિકા મનાત, નવજાત શિશુ અને તેના પિતા જીગ્નેશભાઈ મોચીનું સ્થળ પર જ મૃત્યુ થયું. બીજી તરફ ડ્રાઇવર અંકીતભાઈ ઠાકોર તથા સાથે આવેલા ગૌરાંગકુમાર મોચી અને ગીતાબેન મોચી ગંભીર રીતે દાઝી ગયા છે.

ધનસુરા માર્ગ પર થયો દુર્ઘટનાનો ભયાનક વિસ્ફોટ
પોલીસે જણાવ્યા પ્રમાણે 17મીની રાતે લગભગ એક વાગ્યાના સમયે એમ્બ્યુલન્સ મોડાસાથી ધનસુરા તરફ જઈ રહી હતી. રાણાસૈયદ ચોકડી નજીક પેટ્રોલપંપ પાસે અચાનક આગ લાગતાં ડ્રાઇવરને વાહન રોડસાઇડ ઊભું રાખવું પડ્યું. પરંતુ આગ એટલી ઝડપથી ફેલાઈ કે પરિવાર અને મેડિકલ સ્ટાફને બચાવવું મુશ્કેલ બનેલું. ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ઘટનાની તપાસ શરૂ થઈ છે.

