જંબુસર તાલુકામાં ભ્રષ્ટાચારનો મોટો કિસ્સો
ભરુચ જિલ્લાના જંબુસર તાલુકાના દેવલા ગામમાં મહિલા સરપંચ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારનો મોટો મુદ્દો સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. ગામની સરપંચ રેહાનાબાનુ પટેલે ખોટા બિલો પાસ કરી કુલ 23.70 લાખ રૂપિયાનું નુકસાન કર્યાનો આરોપ સામે આવતા જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક કાર્યવાહી કરી તેમને પદેથી સસ્પેન્ડ કર્યા છે. આ ઘટનાને કારણે દેવલા ગામમાં ભારે ચર્ચા અને અસંતુષ્ટિનું વાતાવરણ ફેલાયું છે.

ખોટા બિલોથી લાખોનો ખર્ચ, જાગૃત નાગરિકે ઉઘાડ્યો ભેદ
ત્રણ વર્ષથી ઓછા કાર્યકાળમાં મોટી હેરફેર થયાની રજૂઆત ગામના જાગૃત નાગરિક ઇમરાન પટેલે કરી હતી. તેમના જણાવ્યા મુજબ, 19 જાન્યુઆરી 2022એ સરપંચ બન્યા પછી રેહાનાબાનુ પટેલે ગામ પંચાયતની બે મીટીંગોમાં કુલ 23.70 લાખના બોગસ બિલોને મંજૂરી આપી હતી. પ્રથમ મીટીંગમાં 15.70 લાખ અને બીજી મીટીંગમાં 8 લાખનાં બિલો મંજૂર કરાયા હતા. તમામ બિલોમાં ખોટી સહી કરવામાં આવી હોવાનો ગંભીર આરોપ પણ સામે આવ્યો હતો. ઉપરાંત, કેટલાક બિલો તો પહેલાથી ચૂકવાયેલા હોવા છતાં બાદમાં તેમનો ઠરાવ કર્યો હતો, જે પ્રક્રિયા વિરુદ્ધ ગણાય છે.

તપાસ બાદ સસ્પેન્શન, પંચાયતનો ચાર્જ બદલાયો
ઇમરાન પટેલ અને તેમના એડવોકેટ આસિફ પાલેજવાળાની રજૂઆત બાદ જિલ્લા વિકાસ અધિકારીએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસમાં મહત્વની ગેરરીતિઓ સ્પષ્ટ થતા મહિલા સરપંચને હોદ્દા પરથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે. સાથે દેવલા ગ્રામ પંચાયતનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સોંપવામાં આવ્યો છે. ગામના રહેવાસીઓ હવે આગળની કાર્યવાહી અને ભ્રષ્ટાચાર અંગે શું પગલા લેવાશે તેની રાહ જોઈ રહ્યા છે.

