અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફાયર સબ ઓફીસરની પરીક્ષાનો વિરોધ કરવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડના તમામ 244 ફાયર કર્મચારીઓ(પરીક્ષાર્થીઓ) પરીક્ષાનો ભારે વિરોધ કર્યો હતો. પોલીસે તેમની અટકાયત પણ કરી હતી. પણ સદ્દનસીબે અમદાવાદમાં ફાયરનો કોલન હતો નહિંતર ફાયરના કર્મચારીઓની અટકાયતના સમયે ભારે અફરા-તફરીનો માહોલ સર્જાયો હોત.
વિગત મુજબ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 244 ફાયર જવાનો એક સાથે પરીક્ષા આપવાના હતા. એએમસીમાં વહાલા-દવલાની નીતિ ચાલતી હોવાના કારણોસર ફાયરના કર્મચારીઓએ પરીક્ષાનો વિરોધ કર્યો હતો. કર્મચારીઓએ પરીક્ષા વિરદ્વ દેખાવ પણ કર્યા હતા જેના કારણે ફાયર બ્રિગેડના જવાનોની પોલીસે અટકાયત કરી હતી.
ભાગ્યવશ આ સમય દરમિયાન થલતેજ ફાયર સ્ટેશનમાં ફાયરનો કોઈ કોલ ન હોત. જો આગ કે અન્ય ઈમરજન્સી ઘટના બની હોત તો આજે અમદાવાદમાં કોઈ ફાયર કર્મચારી ફરજના બદલે પોલીસ લોકઅપમાં હોવાથી મોટી ખુવારીની આશંકા નકારી શકાતી નથી. ફાયર કર્મચારીઓની અટકાયત અંગે રાજ્ય સરકારે તપાસ કરવી જોઈએ અને ઈમરજન્સી સેવાના કર્મચારીઓને આવી રીતે પોલીસ દ્વારા પકડી લેવામાં તે અંગે અમદાવાદ કોર્પોરેશનમાં ભારે વિવાદ ઉભો થયો હોવાનું જણાય છે.
હવે સવાલ એ આવી ઉભો છે કે શું ફાયરસબ ઓફિસરની પરીક્ષા ફરીથી લેવામાં આવશે કે પછી ફાયરના જવાનોને લાયકાત પ્રમાણે બઢતી આપી દેવામાં આવશે? ખાસ વાત એ છે કે ફાયર સબ ઓફીસરની પરીક્ષા મામલે વહીવટી તંત્ર, સેન્ટ્રલ ઓફીસ અને ફાયર અધિકારી ટીમમાં સંકલનનો અભાવ સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત અમદાવાદના મ્યુનિ.કમિશનર પાસે ફાયર સબ ઓફીસરની લાયકાતના ધોરણો અંગે સાચી માહિતી છે કે કેમ તે પ્રશ્ન પણ પૂછવામાં આવી રહ્યો છે.