કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન મોદીના જેમને મિત્ર ગણવામાં આવે છે તેવા ગુજરાતના અદાણી ગ્રુપે 6 પૈકી પાંચ એરપોર્ટને અપગ્રેડ કરવા અને ઓપરેટ કરવાની બીડ હાંસલ કરવામાં સફળતા મેળવી છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયા(AAI) દ્વારા એરપોર્ટનું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે અદાણી ગ્રુપે 6 એરપોર્ટને ડેવલપ અને ઓપરેટ કરવા માટે ટેન્ડર ભર્યું હતું. પરંતુ પાંચ એરપોર્ટનું ટેન્ડર હાંસલ કરવામાં અદાણી ગ્રુપ સફળ રહ્યું હતું. અદાણી ગ્રુપને 50 વર્ષ માટે આ પાંચેય એરપોર્ટ ડેવલપ કરવા અને ઓપરેટ કરવા માટે સોંપવામાં આવશે.
અદાણી ગ્રુપે જે એરપોર્ટ હાંસલ કર્યા છે તેમાં અમદાવાદ, જયપુર, મેંગ્લોર, ત્રિવેન્દ્રમ અને લખનૌનો સમાવેશ થાય છે. જ્યારે ગુવાહાટી એરપોર્ટ માટેનું ટેન્ડર ખોલાવનું બાકી હોવાથી તેનો સમાવેશ કરવામાં આવ્યો નથી.