સુપ્રીમ કોર્ટ સોમવારે બે બાળકો બસની પીટીશન પર વિચારણા કરવાનો ઈન્કાર કર્યો છે. જે રાજકીય પાર્ટીમાં બે કરતાં વધુ બાળકો હોય તેમને ઉમેદવાર નહીં બનાવવા માટે પીટીશનમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેન્ચે ભાજપના નેતા અને પ્રવક્તા અશ્વિની ઉપાધ્યાય દ્વારા દાખલ કરાયેલી પીટીશન પર સુનાવણી હાથ ધરી હતી.
અરજીમાં જણાવાયું હતું કે રાજકીય પાર્ટીઓને નિર્દેશ આપવામાં આવે કે બે બાળકોની નીતિનું પાલન કરવામાં આ અને બે કરતાં વધુ બાળકો હોય તેવા નેતાઓને ઉમેદવાર બનાવવામાં આવે નહીં.
આ ઉપરાંત અરજીમાં બે બાળકોની નીતિને લઈ સરકારી નોકરી અને સરકારી સહાય તથા સબસીડી માટે પણ આવશ્યક માપદંડ જાહેર કરવાની માંગ કરવામાં આવી હતી. અરજીમાં કહેવાયું હતું કે પ્રાદેશિક તેમજ રાષ્ટ્રીય પાર્ટીઓની માન્યતા માટેના કાયદામાં સંશોધન કરવામાં આવે.
અરજીમાં વધુમાં જણાવાયું હતું કે બે બાળકોની નીતિનું પાલન નહીં કરનારા આવા નાગરિકોના મતદાન અને ચૂંટણી લડવાના અધિકારો પરત ખેંચવામાં આવે અને તેમને આવી તમામ પ્રકારની પ્રક્રિયાથી વંચિત રાખવામાં આવે. સુપ્રીમ કોર્ટે તમામ વાતોને ફગાવી દીધી હતી.