પુલવામા હુમલા બાદ પાકિસ્તાનને પદાર્થપાઠ શીખવવા માટે દેશભરમાંથી માંગ ઉઠી રહી હતી અને તે દરમિયાનમાં ભારતીય એરફોર્સે મોટી ગિફટ આપી છે. હકીકતમાં મંગળવારે વહેલી સવારે પાકિસ્તાનની અંદર પીઓકેમા ધૂસી જઈને અનેક આતંકી છાવણીઓને ટારગેટ કરવામાં આવી હતી. આ કાર્યવાહીમાં 300 કરતાં પણ વધારે આતંકી ખલાસ થઈ ગયા હતા. આને ભારતની બીજી સર્જિકલ સ્ટ્રાઈક ગણવામાં આવી રહી છે. આ પૂર્વે 2016માં ઉરી હુમલા બાદ ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈક કરી પાકિસ્તાનને જોરદાર જવાબ આપ્યો હતો.
આવો જાણીએ આજના ઈન્ડીયન એરફોર્સના ઓપરેશન અંગે
21 મીનીટનું ઓપરેશન
ભારતીય વાયુદળે આ ઓપરેશન માત્ર 21 મીનીટમાં પૂર્ણ કર્યું હતું. આ 21 મીનીટમાં 12 મિરાજ વિમાન ફાઈટરોએ પાકિસ્તાનના અલગ અલગ વિસ્તારોમાં હુમલો કર્યો. આ હુમલામાં 300 કરતાં પણ વધારે આતંકીઓને ઠાર મારવામાં આવ્યા. સૂત્રો પ્રમાણે ભારતીય વાયુસેનાએ બાલાકોટ અને મુઝફ્ફરાબાદમાં આ હુમલો કર્યો હતો. જાણકારી પ્રમાણે ભારતીય વાયુદળે 1000 કિલો બોમ્બનો ઉપયોગ કર્યો હતો.
પાકિસ્તાનના આર્મા મીડિયા શાખાના જનસંપર્ક મહાનિર્દેશક જનરલ આસીફ ગફુરે ટવિટ કરી ભારતીય વાયુદળ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કન્ફર્મ કર્યું હતું. જનરલ ગફૂરે ટવિટ કરી કહ્યું કે ભારતીય વાયુદળ મુઝફ્ફરાબાદ સેક્ટરમાં ઘૂસી આવ્યું હતું. પાકિસ્તાની આર્મી તરફથી પણ તે સમયે પ્રભાવી કામગીરી કરવામાં આવી હતી અને જવાબ મળતા ભારતીય વાયુદળ જલ્દી-જલ્દી બોમ્બ ફેંકીને બાલાકોટથી બહાર નીકળી ગયા હતા. જાનમાલને કોઇ નુકશાન થયું ન હતું.
હુમલા બાદ બોર્ડર પર સેનાને તૈનાત કરી દેવામાં આવી છે. બીએસએફને ભારત-પાકિસ્તાન બોર્ડર પર એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. જ્યારે એલઓસી પર બીએસએફ તૈનાત છે. ભારત દ્વારા પીઓકેમાં કરાયેલી કાર્યવાહી બાદ દેશના તમામ બોર્ડર વિસ્તારોમાં એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
14મી ફેબ્રુઆરીએ જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા પર જૈશે મહોમ્મદ દ્વારા આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો ત્યારથી બન્ને દેશો વચ્ચે તણાવ ચાલી રહ્યો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનને જવાબ આપવાના સંકેત આપ્યા હતા.
જ્યારે ભારત તરફથી પાકિસ્તાનને વેપાર મોરચે કડકાઈ દર્શાવવામાં આવી હતી. ભારતે પાકિસ્તાનથી મોસ્ટ ફેવર્ડ નેશનનો દરજ્જો પાછો લઈ લીધો હતો. જ્યારે આયાતી વસ્તુઓ પર ટેક્સમાં 200 ટકા વધારો કરી દેવામાં આવ્યો હતો. આ કાર્યવાહી બાદ પાકિસ્તાન ગભરાઈ ગયો હતો.