ભારતના પાયલોટ અભિનંદન વર્ધમાન 56 કલાક બાદ ભારત પરત ફર્યા છે. દુશ્મન દેશના વિમાનને ઉભી પૂંછડીએ ભગાડવાથી લઈ તેમની મૂક્તિ સુધી અનેક પ્રવાહીશીલ સ્થિતિ રહી છે. પાયલોટ અભિનંદનનને વાઘા બોર્ડર સુધી પાકિસ્તાની આર્મી લઈ આવી હતી અને ત્યાંથી ભારતીય આર્મી અને અધિકારીઓએ અભિનંદનનો કબ્જો લીધો હતો. અભિનંદન વર્ધમાન સહી-સલામત ભારત ફર્યા તેને લઈ દેશભરમાં ખુશાલી મનાવાઈ રહી છે. ઈન્ટરનેશલ રેડ ક્રોસ અને ભારતીય વાયુસેનાને અભિનંદનને સોંપવામાં આવ્યા હતા. અભિનંદનનું મેડીકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું.
વાઘા બોર્ડર પર સિનિયર ભારતીય અધિકારીઓ હાજર રહ્યા હતા. અભિનંદનના માતા-પિતા દિલ્હી પહોંચ્યા હતા જ્યાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. વાઘા બોર્ડર પર પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંગ પણ હાજર રહ્યા હતા. વાઘા બોર્ડર પર લોકોએ ફટાકડા અને આતશબાજી કરી અભિનંદનને વધાવ્યા હતા. શેરની વાપસી જેવા બેનરો પણ જોવા મળ્યા હતા. લોકોમાં જબરદસ્ત ઉત્સવનો માહોલ દેખાયો હતો. સાંજે સાડા છ વાગ્યાની આસપાસ અભિનંદન વાઘા બોર્ડર પર આવી પહોંચ્યા હતા. પાકિસ્તાનના અધિકારીઓ વિંગ કમાન્ડરને લઈ વાઘા આવી પહોંચ્યા હતા. ત્યાર બાદ લાંબી કાગળીયા કાર્યવાહી કરવામાં આવી હતી.
26મી ફેબ્રુઆરીની મંગળવારની રાત્રે ભારતીય વાયુસેનાએ કાર્યવાહી કરી હતી જેના કારણે પાકિસ્તાન અકળાઈ ગયો હતો. તેની વાયુસેના જોતી જ રહી ગઈ. મિરાજ લડાકુ વિમાનોએ આતંકી અડ્ડાઓ પર કેર વરસાવ્યો હતો અને સુરક્ષિત પર થયા હતા. ત્યાર બાદ પાકિસ્તાને ચાલ ચાલી હતી. જેને વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદને નિષ્ફળ બનાવી હતી.
27મી ફેબ્રુઆરીએ પાકિસ્તાનના લડાકુ વિમાનો ભારતની સીમામાં ઝડપથી આગળ વધી રહ્યા હતા. અમેરિકાથી મેળવેલા એફ-16 વિમાન પણ સામેલ હતા. ભારતીય સરહદમાં ઘૂસી રહ્યા હતા ત્યારે જ ભારતીય વાયુસેનાએ મોરચો ખોલ્યો. પાકિસ્તાની લડાકુ વિમાન પશ્ચિમીન રાજૌરીથી ભારતની બોર્ડરમાં પ્રવેશી રહ્યા હતા પરંતુ સેનાએ પાક.ના વિમાનોને ચારેતરફથી ઘેરી લીધા હતા.
મીગ-21 પર સવાર ભારતીય પાયલોટ અભિનંદને પાકિસ્તાની વિમાનોને ખદેડવાનુ શરૂ કર્યું. આકાશમાં ભીષણ જંગ શરૂ થઈ. મીગ-21ના કમાન્ડર અભિનંદને દુશ્મનને ભાગવા મજબૂર કરી દીધો. આ દરમિયાન મીગ-21એ પાકિસ્તાનનાં એફ-16ને તોડી પાડ્યું. આકાશમાં ચાલેલી જંગમાં ઝપટમાં મીગ-21 વિમાન પણ આવી ગયું જેમાં પાયલોટ અભિનંદન હતા.
પાકિસ્તાનના વિમાનને ખદેડતી વખતે મી-21 બાયસન વિમાન પાકિસ્તાનની સરહદમાં પહોંચી ગયા અને વિમાન ક્રેશ થાય તે પહેલા પેરાશૂટ મારફત કૂદી પડ્યા અને જમીન પર પટકાયા. આ વિસ્તાર પીઓકેનો હતો. પાકિસ્તાની આર્મીએ તેમને પકડી લીધા.
ભારતે પાયલોટ લાપતા હોવાનું કહ્યું અને ત્યાર બાદ પાકિસ્તાને જણાવ્યું કે ભારતનો પાયલોટ અમારી પાસે છે.
28મી ફેબ્રુઆરીએ ભારતે પાયલોટ અભિનંદનને વિના શરત મૂક્ત કરવાની માંગ કરી અને જિનિવા કરારના ઉલ્લંઘન સમાન પાયલોટને પકડવામાં આવ્યું હોવાનું જણાવ્યું.
સાંજે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનની સંસદને સંબોઘન કર્યું અને પાયલોટ અભિનંદનને મૂક્ત કરવામાં આવશેની જાહેરાત કરી.
પહેલી માર્ચના રોજ પાયલોટ અભિનંદન વર્ધમાન ભારત પરત ફરી ચૂક્યા છે અને દેશભરમાં તેમની મૂક્તિને લઈ ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે.