લોકસભા ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના સંયોજક ગોપાલ રાયે દિલ્હીની સાતમાંથી 6 લોકસભા સીટ માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. ગોપાલ રાય અને આમ આદમી પાર્ટીએ ટવિટ કરી આ જાણકારી આપી હતી.
આમ આદમી પાર્ટીએ પૂર્વ દિલ્હીથી આતીશી માર્લેનાને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ગુગ્ગનસિંહને પશ્ચિમ દિલ્હીમાંથી ચૂંટણી જંગની કમાન સોંપી છે.
જ્યારે આપની રાજકીય મામલાની સમિતિના સભ્ય રાઘવ ચઢ્ઢાને દક્ષિણ દિલ્હીમાંથી ટીકીટ આપવામાં આવી છે. પંકજ ગુપ્તાને ચાંદની ચોકમાંથી સીટ ફાળવાઈ છે. દિલીપ પાંડને ઉત્તર-પૂર્વ દિલ્હી અને બ્રિજેશ ગોયલને નવી દિલ્હીથી ટીકીટ આપવામાં આવી છે. જોકે, દિલ્હીની એક સીટ પર ઉમેદવારની પસંદગી બાકી રાખવામાં આવી છે.
ઉમેદવારોના નામની જાહેરાત કર્યા બાદ ગોપાલ રાયે ટવિટ કરી કહ્યું કે ભાજપના સાત સાંસદોએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના મામલે દગો આપ્યો છે, કોંગ્રેસ પણ ભાજપ જેવો જ રાગ આલાપી રહી છે. જેવી રીતે લોકોએ વિધાનસભામાં ભાજપને હાર આપી હતી તેવી જ રીતે લોકો લોકસભાની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસને હાર આપશે અને આપના તમામ ઉમેદવારોને વિજયી બનાવશે.