વડાપ્રધાન નરેન્દ્ર મોદી સોમવારથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. આજના મહાશિવ રાત્રીના અવસરે એક હજાર કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા વિશ્વ ઉમિયા ઘામના મંદિરની આધારશીલા મૂકી હતી. આ ઉપરાંત અનેક પ્રોજેક્ટનું ઉધ્ધાટન પણ કર્યું. જામનગર-બાંદ્રા વચ્ચે ચાલનારી હમસફર એક્સપ્રેસને લીલીઝંડી પણ બતાવી હતી.
જામનગર ખાતે લોકોને સંબોધિત કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે ગુજરાત હંમેશ ગુરુ પરંપરા સાથે ચાલ્યું આવ્યું છે. હવે આ પરંપરાને ગુરુ ગોવિંદસિંહ હોસ્પિટલ સાથે સાંકળી લેવામાં આવી છે. 750 બેડની હોસ્પિટલના નવા બિલ્ડીંગને ખૂલ્લું મૂક્યું હતું. આ ઉપરાંત સૌની યોજનાનાં વિવિધ પ્રોજેક્ટ સહિત આજી-3થી ખીજડીયા સુધીની 51 કિ.મી સુધીની પાઈપ લાઈનનું ખાતમુહુર્ત કર્યું હતું.
તેમણે કહ્યું કે સરદાર સરોવર પ્રોજેક્ટથી ગુજરાતમાં છેક કચ્છ સુધી પાણી મળતું થઈ ગયું છે. કેન્દ્રની અગાઉની સરકારોની ઉપેક્ષા છતાં ગુજરાતે પ્રોજેક્ટને પૂર્ણ કરીને બતાવ્યું છે. જ્યારે મુખ્યમંત્રી હતો ત્યારે જ નક્કી કર્યું હતું કે ગુજરાતમાંથી ટેન્ક રાજ નાબુક કરીશું. આયુષ્યમાન કાર્ડના કારણે ગરીબ લોકોને સારવાર માટે મોટી મોટી હોસ્પિટલમાં પણ સારવાર મળી રહેશે. ખેડુતોને પોષણક્ષમ ભાવ આપવાનું શરૂ કરી દેવાયું છે અને ખેડુતોના ખાતામાં બે હજાર રૂપિયાનો પ્રથમ હપ્તો પહોંચી રહ્યો છે.
વડાપ્રધાને વિપક્ષ પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે વિપક્ષ નથી ઈચ્છતો હું ફરી પાછો જીતું. વિપક્ષ મને એટલા માટે દુર કરવા માંગે છે કે હું આતંકવાદને ખતમ કરવા માંગું છું.
PM મોદીએ કહ્યું કે અમારી સરકાર ખેડુતો માટે પ્રધાન મંત્રી કિસાન નિધિ યોજના લાવી છે. વર્ષ દરમિયાન ખેડુતોના ખાતામાં 6 હજાર રૂપિયા જમા કરી દેવામાં આવશે, 2022 સુધીમાં દરેક પરિવાર પાસે ઘર હશે અને પોતાના ઘરનું સ્વપ્ન પૂરું થશે. કોઈ પણ દેશ શક્તિ અને દ્રઠ નિશ્ચય વિના આગળ વધી શકતો નથી. આતંકવાદને ખતમ કરવાની જરૂર છે.
તેમણે કહ્યું કે કેટલાક લોકો આપણા જ દેશની સેના પર શંકા કરી રહ્યા છે. જો આજે આપણી પાસે રાફેલ હોત તો પરિણામ અલગ હોત. વડાપ્રધાન મોદી હાલમાં સંપૂર્ણપણે ચૂંટણીના મિજાજમાં છે. ચૂંટણીની જાહેરાત થાય તે પહેલા 100 રેલી કરવાનો કાર્યક્રમ છે. 2014ની ચૂંટણીમાં ભાજપે ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ કબ્જે કરી હતી. 2019માં ભાજપ 2014નું પુનરાવર્તન કરવા માંગે છે.