જસપુરમાં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશના મંદિરનું ખાતમુહુર્ત કરતા વડાપ્રધાન મોદીએ આધ્યાત્મિક ચેતના અંગે કહ્યું કે આજે વિશ્વમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર થયો છે. પોતાના સંબોધનમાં તેમણે છગનબાપાને યાદ કર્યા હતા. વડાપ્રધાન મોદીએ ઉમિયા ધામ ખાતે કડવા પાટીદારોને સંબોધ કર્યું હતું અને કહ્યું હતું કે 2019માં પણ હું જ પાછો આવવાનો છું, ચિંતા ન કરતા.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે વિશ્વભરમાં આજે યોગની બોલબાલા છે. ઋષિ-મૂનિઓ અને સંતો-મહંતો દ્વારા યોગ તો પૂરાતનકાળથી ચાલી આવી રહ્યો હતો મેં તો માત્ર વિશ્વને રસ્તો બતાવ્યો છે. આજે વિશ્વે યોગનું મહત્વ સમજ્યું છે. આધ્યાત્મિક ચેતનાનાં સંચારના કારણે જ આજે વિશ્વ ઉમિયા ધામનું સપનું સાકાર થવા જઈ રહ્યું છે.
તેમણે કહ્યું કે કુંભના મેળાની સ્વચ્છતાની દુનિયાએ નોંધ લીધી છે. ગાંધીજીએ કરેલી વાતને પૂર્ણ કરવાનું સૌભાગ્ય મળ્યું છે. મા ઉમિયાના ચરણોમાં વંદન કરવા આવ્યો છું. હવે ધીમી ગતિ આ દેશમાં ચાલે એમ નથી. થાંગડ-થીંગડ ચાલે એમ નથી. નાનું કરવાનું ચાલે એમ નથી. મોટું જ કરવું જ પડે. જો મોટું કરવાની ભાવના હોય તો દુનિયામાં મોટું કરવાનું નક્કી કરવું અને એનું પરિણામ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી. વીર જવાનો પરાક્રમ કરે તો નાનું શું કામ કરે અને મોટું કરે, પાક્કું કરે અને જ્યાં કરવાનું હોય ત્યાં જ કરે.