લેન્ડિંગ વખતે કોંગોના મંત્રીના પ્લેનનું ગિયર તૂટ્યું, આબાદ બચાવ થયો
ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો (DRC)માં એક મોટો વિમાન દુર્ઘટના ટળી ગઈ. ખાણકામ મંત્રી લુઈ વાટમ કબામ્બાને લઈ જતું વિમાન કોલવેજી એરપોર્ટ પર લેન્ડિંગ દરમિયાન લપસી ગયું અને તેમાં આગ લાગી ગઈ. સદભાગ્યે, તમામ મુસાફરો સુરક્ષિત બહાર નીકળી ગયા. તપાસમાં જાણવા મળ્યું છે કે વિમાન લુબુમ્બાશી થઈને કોલવેજી જઈ રહ્યું હતું. આ ઘટનાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગોના કોલવેજી એરપોર્ટ પર સોમવારે એક મોટી વિમાન દુર્ઘટના ટળી ગઈ. જ્યાં કોંગોના ખાણકામ મંત્રી લુઈ વાટમ કબામ્બા અને તેમના ૨૦ સભ્યોના પ્રતિનિધિમંડળને લઈ જતું અંગોલાનું ચાર્ટર્ડ એમ્બ્રેયર ERJ-145 વિમાન લેન્ડિંગ દરમિયાન લપસી ગયું.
આ દુર્ઘટના દરમિયાન મુખ્ય લેન્ડિંગ ગિયર તૂટ્યા બાદ વિમાનમાં આગ લાગી ગઈ. જોકે, સદભાગ્યે આગ ભભૂકી ઉઠે તે પહેલાં જ તમામ લોકો સુરક્ષિત બહાર નીકળી ગયા હતા. આ હૃદયદ્રાવક ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં ડીઆરસીના કોલવેજી એરપોર્ટ પર એમ્બ્રેયર ઈઆરજે-૧૪૫ની ક્રેશ લેન્ડિંગ દર્શાવવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર, આ ચાર્ટર્ડ વિમાન દેશના ખાણ મંત્રી લુઈ વાટમ કબામ્બાને લુઆલાબા ક્ષેત્રના કોલવેજી એરપોર્ટ પર લઈ જઈ રહ્યું હતું, જ્યાં તેમણે નજીકની કોબાલ્ટ ખાણની મુલાકાત લેવાની હતી. જ્યાં એક પુલ તૂટી પડવાથી ૩૨ લોકોના મોત થયા હતા. આ દરમિયાન લેન્ડિંગ કરતી વખતે ગિયર તૂટી ગયું અને વિમાન રનવે પરથી હટીને જમીન પર આવી ગયું.
તપાસમાં થયો ખુલાસો
નાગરિક ઉડ્ડયન વિભાગની સ્વતંત્ર તપાસ કરતી એજન્સી, કોંગોની બીપીઈએ (BPEA) દ્વારા આ દુર્ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી. શરૂઆતની તપાસમાં સામે આવ્યું છે કે વિમાન લુબુમ્બાશી થઈને કોલવેજી જઈ રહ્યું હતું. કોલવેજીમાં વિમાન રનવે પરથી લપસી ગયું અને તેમાં આગ લાગી ગઈ. આમાં કોઈ જાનહાનિ થઈ નથી, માત્ર ભૌતિક નુકસાન થયું છે.
તકનીકી બેઠકો શરૂ
બીજી તરફ, ખાણ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે આ હવાઈ દુર્ઘટનાથી મંત્રીના દૃઢ સંકલ્પ પર કોઈ અસર થતી નથી. તેમણે કલાન્ડોના મિશન અને અસરગ્રસ્ત સમુદાયોને સહાય પૂરી પાડવા માટે જરૂરી પગલાં અંગે સંબંધિત અધિકારીઓ સાથે તકનીકી બેઠકો શરૂ કરી દીધી છે.
View this post on Instagram
વીડિયો થઈ રહ્યો છે વાયરલ
એક મુસાફરે આ વિમાન દુર્ઘટનાનો વીડિયો બનાવી લીધો હતો. વીડિયોમાં વિમાનને ફ્લૅપ્સ ખોલીને ધીમે ધીમે નીચે ઉતરતું બતાવવામાં આવ્યું છે. જોકે, થોડી જ સેકન્ડો પછી, વિમાન નિર્ધારિત રનવે સીમા પહેલાં જ જમીન પર ઉતરી ગયું, જેના પરિણામે મુખ્ય ગિયર તૂટી પડ્યું.
કેબિનની અંદરથી ગભરાયેલા અવાજો સાંભળી શકાતા હતા કારણ કે વિમાન આખરે રનવે પરથી નીચે, આગળની તરફ ઝૂકીને અટકી ગયું અને તેનો પાછળનો ભાગ આગની લપેટમાં ઘેરાઈ ગયો. સદભાગ્યે, વિમાનના પાછળના ભાગમાં આગ લાગવાના થોડા સેકન્ડો પહેલાં જ તમામ મુસાફરો બહાર નીકળી ગયા હતા.
