ગીર સોમનાથ જિલ્લાના તાલાલાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડના ધારાસભ્ય પદ છિનવી લેવાના નિર્ણયને કોંગ્રેસે કોર્ટમાં પડકારવાની તૈયારી શરૂ કરી દીધી છે. જે પ્રકારે સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા આનન-ફાનનમાં નીચલી કોર્ટના આદેશને લઈ ધારાસભ્ય વિરુદ્વ કાર્યવાહી કરતા છંછેડાયેલી કોંગ્રેસ નિર્ણયને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી કરી રહી છે.
પ્રદેશ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું કે સ્પીકર દ્વારા લેવાયેલા ભગવાન બારડના ધારાસભ્ય પદ અંગેના નિર્ણયને કોંગ્રેસ હાઈકોર્ટમાં ચેલેન્જ કરશે. નીચલી અદાલતનો નિર્ણય હતો અને તેના પર કાર્યવાહી કરવામાં આવી છે. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમા અપીલ કરી શકાય એમ છે અને કોંગ્રેસના ધારાસભ્ય માટે કોંગ્રેસ કાયદાકીય લડત આપવા સુસજ્જ થઈ ગઈ છે.
કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોષીએ ટેલિફોન પર કહ્યું કે કોંગ્રેસના ધારાસભ્ય એટલે ચૂંટાયેલો લોકપ્રતિનિધિ છે. નીચલી અદાલતના ચૂકાદાથી તેમનું ધારાસભ્ય છિનવી લઈ ભાજપ દ્વારા લોકતંત્રને બાનમાં લેવાનો પ્રયાસ કરાયો છે. બેથી ત્રણ દિવસમાં કોંગ્રેસ નિર્ણય વિરુદ્વ કોર્ટમાં જશે.