આતંકવાદને લઈ ભારત તરફથી કડકાઈ દર્શાવવામાં આવતા પાકિસ્તાને જૈશે મહોમ્મદના આતંકી મસુદ અઝહરના ભાઈ મૂફ્તી અબ્દુલ રઉફની ધરપકડ કરી છે. આ ઉપરાંત પાકિસ્તાને પ્રતિબંધિત સંગઠનોનાં અન્ય 44 લોકોને પણ પકડી લીધા છે.
UNSCમાં મસુદ અઝહર પર પ્રતિબંધ મૂકવાની અંતિમ તારીખ 13મી માર્ચ છે. ભારત તમામ પંદર સભ્યોના સંપર્કમાં છે જેમાં ચીન પણ સામેલ છે અને ભારત આ અંગે આ વખતે ખૂબ જ આશાન્વિંત છે.
બાલાકોટ હુમલા બાદ ભારતે આતંકવાદ મુદ્દે પાકિસ્તાન પર વધુમાં વધુ દબાણ આણવાની કોશીશ કરી છે. સૂત્રો જણાવી રહ્યા છે કે પાકિસ્તાન મધ્યસ્થા માટે તમામ દેશો પાસે ગયો પરંતુ ક્યાંય પણ તેની દાળ ગળી નથી. ભારતે કહ્યું છેકે આ કોઈ ભારત-પાકિસ્તાનનો મુદ્દો નથી પરંતુ સમગ્ર વિશ્વનો મુદ્દો છે.
વિશ્વના દેશોનો મત છે કે જૈશના ચીફ મસુદ અઝહર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવશે તો પાકિસ્તાનને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડી શકે એમ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રીના સ્વીકાર્ય પછી એ વાત સ્પષ્ટ છે કે અઝહર પાકિસ્તાનમાં જ છે. ભારત દ્વારા વાયુસેનાને પશ્ચિમી સેક્ટરમાં એલર્ટ પર રાખવામાં આવી છે.