સુપ્રીમ કોર્ટમાં સરકારે કહ્યું કે રાફેલ ડીલ સંબંધિત ડોક્યુમેન્ટ્સ ડિફેન્સ મિનિસ્ટ્રીમાંથી ચોરાઈ ગયા છે. રાફેલ ડીલ વિરુદ્વમાં દાખલ થયેલી પીટીશન્સને રદ્દ કરવાની સુનાવણી દરમિયાન એટોર્ની જનરલ કે.કે.વેણુગોપાલે કોર્ટમા કહ્યું હતું. સુપ્રીમ કોર્ટ પોતાના જ ચૂકાદા અંગેની રિવ્યુ પીટીશન પર સુનાવણી કરી રહી છે. અગાઉ કોર્ટે રાફેલ અંગે તપાસ કરવાનો ઈન્કાર કર્યો હતો અને મોદી સરકારને ક્લિનચીટ આપી હતી. હવે નવેસરથી સુનાવણી કરવામાં આવી રહી છે.
ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ,જસ્ટીસ એસકે કૌલ અને જસ્ટીસ કેએમ જોસેફની બેન્ચ સમક્ષ રાફેલ ડીલ અંગે સુનાવણી હાથ ધરવામાં આવી છે. પૂર્વ કેન્દ્રીય મંત્રી યશવંતસિંહા, અરૂણ શૌરી અને વકીલ પ્રશાંત ભૂષણે રાફેલ ડીલ અંગે તપાસ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં સંયુક્ત પીટીશન ફાઈલ કરેલી છે. પીટીશનમાં આરોપ છે કે કેન્દ્ર સરકારે રાફેલ ડીલમાં ગેરરીતિઓ આચરી છે. આ પીટીશન્સ ડિસેમ્બર મહિનામાં કરવામાં આવી હતી.
એડવોકેટ પ્રશાંત ભૂષણે સિનિયર જર્નાલિસ્ટ એન.રામનુ આર્ટીકલ રજૂ કર્યું હતું જેનો એટોર્ની જનરલ વેણુ ગોપાલે વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે રાફેલ ડીલના ડોક્યુમેન્ટ્સ રક્ષા મંત્રાલયમાંથી ચોરાઈ ગયા છે અને તેની તપાસ ચાલી રહી છે. કે.કે.વેણુગોપાલે જણાવ્યું હતું કે વરિષ્ઠ પત્રકાર એન.રામ દ્વારા પ્રથમ લેખ 8 ફેબ્રુઆરીએ ધ હિન્દુમાં પ્રસિધ્ધ કરાયો હતો અને બુધવારે પણ વધુ એક લેખ આવ્યો હતો. આ બન્ને લેખનો હેતુ કોર્ટની કાર્યવાહીને પ્રભાવિત કરવાનો અને તે અદાલતની અવગણના કરવાનો હતો.
વેણુગાપોલ દ્વારા રિવ્યુ પીટીશનને ફગાવી દેવાની માંગ કરવામાં આવી અને પ્રશાંત ભૂષણ દ્વારા ધ હિન્દુના આધારે કરવામાં આવેલી દલીલોનો વિરોધ કરાયો હતો. તેમણે કહ્યું કે ધ હિન્દુમાં પ્રસિધ્ધ થયેલા આર્ટીકલ ચોરાયેલા ડોક્યુમેન્ટ્સના આધારે લખવામાં આવ્યા છે.
અરુણ શૌરીએ પોતાની અરજી જાતે દલીલો કરી છે. પ્રશાંત ભૂષણ અને અરુણ શૌરીએ કહ્યું કે એફઆઈઆર અને તપાસ ન થાય તેના માટે રાફેલના મહત્વપૂર્ણ તથ્યો ઢાંકપિછોડો કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કોર્ટે પીટીશન કાઢી નાંખી ન હોત તો રાફેલ ડીલ અંગેના તથ્યો પર ઢાંકપિછોડો કરવામાં આવ્યો ન હોત.