ગુજરાતના રાજ્યપાલ ઓ.પી.કોહલીએ બપોરે 12.39 કલાકે રાજભવનમાં યોજાયેલા સમારોહમાં કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા અને રાજય કક્ષાના મંત્રી તરીકે યોગેશ પટેલ અને ધર્મેન્દ્રસિંહ જાડેજાને હોદ્દો અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્ય સચિવ ડૉ. જે.એન.સિંઘ તથા મંત્રીમંડળના સભ્યો અને વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાતમાં પક્ષ પલટાની સિઝન બરાબરની ખીલી છે. કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો વંડી ઠેકીને ભાજપમાં જઈ રહ્યાં છે. માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા ભાજપમાં જોડાયા અને મંત્રી બન્યા. કોંગ્રેસમાંથી આ ઉપરાંત હળવદના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાએ પણ રાજીનામું આપી દીધું છે. પરષોત્તમ સાબરીયાનો નંબર મંત્રી મંડળમાં લાગ્યો નથી.
2019ની લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યાં ગુજરાતમાં આયારામ ગયારામની સીઝન પણ શરૂ થઈ છે. પહેલા કુંબરજી બાવળીયા, ત્યાર બાદ આશા પટેલ, ત્યાર બાદ જવાહર ચાવડા અને હવે પરષોત્તમ સાબરીયાએ પણ કોંગ્રેસને અલવિદા કરી છે. તેમણે જવાહર ચાવડાના ભાજપમાં શામેલ થયાના ગણતરીના કલાકોમાં જ પોતાનું રાજીનામું ધરી દીધું છે.
હવે તેઓ પણ ભાજપમાં જોડાય તેવું કહેવાઈ રહ્યું છે. જોકે રાજીનામું આપ્યા બાદ ક્યાં જોડાશે તેને લઈને પરષોત્તમ સાબરીયાએ કોઈ ખુલાસો કર્યો છે. તેમની કહ્યું છે કે, તક મળશે એટલે તુરંત જ ભાજપમાં જોડાઈશ. આમ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય ભાજપમાં જોડાવવા જઈ રહ્યાં છે તે સ્પષ્ટ થઈ ગયું છે. જોકે તેઓ લોકાસભાની ચૂંટણી લડશે કે કેમ તેને લઈને સાબરીયાએ કોઈ જ ખુલાસો કર્યો નહોતો.
નીતિન પટેલે શપથવિધિ કાર્યક્રમ બાદ જણાવ્યું હતું કે, વિજયભાઈ રૂપાણીના મંત્રીમંડળમાં વધુ ત્રણ મંત્રીઓનો સમાવેશ થયો છે. કેબિનેટ મંત્રી તરીકે જવાહર ચાવડા અને રાજ્ય કક્ષાના મંત્રી તરીકે ધર્મેન્દ્રસિંહ જાડેજા અને યોગેશ પટેલે શપથ લીધા છે. હજુ સુધી તેમને ખાતાની ફાળવણી કરવામાં આવી નથી. સી.કે. રાઉલજીના નામની ચર્ચા પણ હતી. જોકે, તેમણે શપથ લીધા નથી.
પાકિસ્તાનમાં એરસ્ટ્રાઈકની અસર ગાંધીનગરમાં પડી છે. નીતિન પટેલ આજે પહેલી વખત પાકિસ્તાન સામેના હુમલાના વખાણ ભરપેટ કર્યા હતા. તેમણે કહ્યું કે, કોંગ્રેસના આ ત્રણેય મંત્રીઓ PM મોદીની રાષ્ટ્રભક્તિના કારણે BJPમાં જોડાયા છે. દેશભરની જેમ લોકો બીજેપીમાં જોડાઇ રહ્યા છે, તેમ આજે ગુજરાતમાં પણ લોકો BJPમાં જોડાઈ રહ્યા છે.
નીતિન પટેલે પોતાની વાત કરતા જણાવ્યું કે, નેતા હોય તો PM જેવા હોવા જોઈએ કહી BJPમાં લોકો જોડાઈ રહ્યા છે. ગઈકાલે જવાહર ચાવડાએ પાક સામેની કાર્યવાહી કરી તેને લઇને પીએમ નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી હતી.