પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કથીરીયાને સુરતના રાજદ્રોહ કેસના અનુસંધાને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં રજૂ થતી વેળા ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે અલ્પેશ કથીરીયાને મીડિયાવાળા ઘેરી વળ્યા હતા અને કેટલાક સવાલો પૂછ્યા હતા.
જ્યારે આજે ગુજરાત હાઈકોર્ટમાં કથીરીયાની રાજદ્રોહ કેસમાં જામીન રદ્ કરવાના હુકમને પડકારતી અરજીને હાઈકોર્ટે ડિસ્પોઝ કરી દીધી છે. હવે કથીરીયાએ નવેસરથી જામીન રદ્દ કરવાના હુકમની સામે કોર્ટમાં અરજી કરવાની રહેશે.
કોર્ટમાં રજૂ થતાં અલ્પેશે ચાલતાં-ચાલતાં હાર્દિક પટેલના કોંગ્રેસમાં જોડાવા અંગે સવાલ કરાતા કથીરીયાએ જણાવ્યું કે જેલની અંદર કોઈ મેસેજ મળતા નથી.જામીન પર છૂટ્યા બાદ વિશેષ પ્રતિક્રિયા આપીશ અને પાસની મીટીંગમાં નિર્ણય લેવામાં આવશે.
કથીરીયાએ કહ્યું કે પોલીસનો ત્રાસ બહુ છે. જામનગરમાં હાર્દિકના થઈ રહેલા વિરોધ અંગે કથીરીયાએ કહ્યું કે વિરોધ કરી રહેલા લોકોને જનતા જવાબ આપશે.