WhatsApp વીડિયો કોલથી દબાણ બનાવી સાયબર ગેંગે એક કરોડથી વધુ પડાવ્યા
રાજકોટ શહેરમાં સાયબર માફિયાઓ દ્વારા વધુ એક વખત લોકોની નિર્દોષતાનો લાભ લેવામાં આવ્યો છે. જુના એરપોર્ટ રોડ વિસ્તારમાં રહેતા 76 વર્ષીય કુરબાન બદામીને અજાણ્યા કોલર્સે ડિજિટલ અરેસ્ટના નામે ધમકી આપી 1.14 કરોડ રૂપિયા પડાવી લીધા હોવાનો ગંભીર બનાવ બહાર આવ્યો છે. નિવૃત્ત જીવન જીવતા બદામીએ રાજકોટ સાઇબર ક્રાઇમ પોલીસ પાસે ફરિયાદ નોંધાવી છે, જેમાં આરોપીઓએ ખોટું ઓળખપત્ર, નકલી કોર્ટ આદેશો અને RBI અધિકારીના કાગળો મોકલી ભયનો માહોલ સર્જ્યો હતો.
ટેલિકોમ કંપનીના નામે કોલ આવી ઠગાઈની શરૂઆત
ફરિયાદ મુજબ 29 ઓક્ટોબરના રોજ અજાણ્યા વ્યક્તિનો કોલ આવ્યો હતો, જેમાં પોતે ટેલિકોમ કંપનીમાંથી બોલતો હોવાનું જણાવી ફોન બંધ થવાની ચેતવણી આપવામાં આવી હતી. કોલરે ગંભીર આરોપ મૂક્યા કે તેમના ફોનનો ઉપયોગ ચાઇલ્ડ પોર્નોગ્રાફી, ગેમ્બલિંગ અને સાઇબર ટેરરિઝમમાં થયો છે. બદામીએ પોતાની નિર્દોષતા રજૂ કરતાં કોલરે કહ્યું કે હવે તેમને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાં સ્પષ્ટીકરણ આપવું પડશે. વયને કારણે તેઓ જઇ ન શકે તે જણાતા કોલરે નકલી રીતે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે જોડવાનું નાટક કર્યુ.
પોલીસ યુનિફોર્મમાં વીડિયો કોલ કરીને ભય ફેલાવ્યો
થોડીવાર પછી WhatsApp પર વીડિયો કોલ આવ્યો, જેમાં કોલર પોલીસની યુનિફોર્મ પહેરી પીએસઆઇ શંકર પાટીલ તરીકે ઓળખાવતો હતો. આ કોલ દરમ્યાન ફરિયાદીનું આધાર કાર્ડ, પરિવારની માહિતી અને બેન્કની વિગતો માંગી લેવાઈ હતી. કોલરે નકલી આરોપ મૂક્યા કે તેમના આધાર કાર્ડ પરથી દેશના અન્ય રાજ્યોમાં ખોટા એકાઉન્ટ ખોલાયા છે, જેમાથી મની લોન્ડરિંગ અને ટેરરિઝમમાં ટ્રાન્ઝેક્શન થયા છે. બાદમાં તેમને ડિજિટલ અરેસ્ટ હેઠળ રાખ્યાનું જણાવી સતત વીડિયો કોલ કરીને માનસિક દબાણ બનાવ્યું.
કોર્ટ અને RBIના નકલી દસ્તાવેજો મોકલી રૂપિયા લેવાયા
આરોપીઓએ WhatsApp મારફતે સુપ્રીમ કોર્ટ અને RBI ડેપ્યુટી ગવર્નરના નામે નકલી દસ્તાવેજો મોકલી જાણકારી આપી કે તેમની સંપત્તિ શંકાસ્પદ છે અને તેને લિક્વિડેટ કરી RBIના ખાતામાં જમા કરાવવી પડશે. 3 નવેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન બદામી દંપતીના ખાતામાંથી પાંચ ટ્રાન્જેક્શન મારફતે કુલ 1,14,55,000 રૂપિયા ટ્રાન્સફર કરાવાયા. આ રકમ બાદ પણ વધુ 10 લાખની માંગ કરી ધમકી આપવામાં આવી કે પૈસા ન આપો તો ફિઝિકલ અરેસ્ટ થશે અને વિદેશમાં રહેલી દીકરીઓને પણ ભારત બોલાવી લઈશું.
કેનેડા રહેલી દીકરીએ બચાવ કર્યો, પોલીસ ફરિયાદ દાખલ
બદામી દંપતીએ વધુ રકમ માટે દીકરીને સંપર્ક કરતાં તેને આ આખી પ્રક્રિયા ફ્રોડ હોવાનું જાણકારી આપી. તરત જ 1930 હેલ્પલાઇન પર ફરિયાદ નોંધાવવામાં આવી. તપાસમાં જાણવા મળ્યું કે આરોપીઓ દ્વારા ત્રણ અલગ બેન્ક એકાઉન્ટનો ઉપયોગ કરાયો છે અને દેશના જુદા જુદા રાજ્યોમાંથી કુલ 13 ફરિયાદો આ એકાઉન્ટ્સ પર નોંધાઈ ચૂકેલી છે.

