તાલાલાનાં કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ભગવાન બારડની મુશ્કેલીઓમાં વધારો થયો છે. હાઈકોર્ટે નીચલી અદાલત દ્વારા આપેલી સજાના અનુસંધાને ચૂકાદો આપ્યો હતો અને ગુજરાત સરકારની સ્ટે વેકેટ કરવાની અરજીને ગ્રાહ્ય રાખી હતી. સજા પર સ્ટે આપવાની ઉઠી જતાં ભગવાન બારડે હવે ઉપલી અદાલતમાં અરજી કરવી પડશે. પરંતુ તે પહેલાં સ્ટે ઉઠી જતા બારડને ફરી પાછા જેલ ભેગા થવાનો વારો આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટમાં જજ સોનિયા ગોકાણીની કોર્ટમાં ભગવાન બારડના કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ કેસમાં જજ સોનિયા ગોકાણીએ ભગવાન બારડ દ્વારા સજા પર સ્ટેની અરજી ઉડાડી દીધી હતી અને ગુજરાત સરકાર દ્વારા કરાયેલી સ્ટેને વેકેટ કરવાની દાદને માન્ય રાખવામાં આવી હતી. આ ઉપરાંત સેશન્સ કોર્ટમાં કેસને ફરીથી ઓપન કરવાનો પણ આદેશ આપવામાં આવ્યો છે.
ભગવાન બારડ વિરુદ્વ 1995માં સરકારી ગૌચર જમીનમાંથી ખનીજ ચોરીનો આ કેસ છે. જેને લઈ ભગવાન બારડ વિરુદ્ધ રૂ. 2.83 કરોડની ખનીજ ચોરીનો ગુનો નોંધાયો હતો. 24 વર્ષ બાદ ચૂકાદો સંબળાવી સૂત્રાપાડાની કોર્ટે ધારાસભ્ય ભગવાન બારડને દોષીત ઠેરવી સજા ફટકારી હતી. બારડને બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારવામાં આવી હતી. આ સાથે કોર્ટે બારડને રૂ. 2500નો દંડ પણ ફટકાર્યો હતો. ભગવાન બારડ પર ખનીજ ચોરીનો કેસ હતો. જેને લઈ વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્ય પદેથી ભગવાન બારડને સસ્પેન્ડ કર્યા હતા.
