સુરત લોકસભા બેઠકનું કાઉન્ટ ડાઉન શરૂ કરી દેવામાં આવ્યું છે. ભાજપ કાર્યાલય ખાતે નિરીક્ષકોની હાજરીમાં નેતાઓએ દાવેદારી નોંધાવી હતી. વર્તમાન સાંસદ દર્શના જરદોષે પણ દાવેદારી કરી હતી આ ઉપરાંત સુરત શહેર ભાજપ પ્રમુખ નીતિન ભજીયાવાળાએ પણ દાવેદારી કરી હતી.
પોતની દાવેદારી અંગે સાંસદ દર્શના જરદોષે કહ્યું કે પાછલી બે ટર્મથી સાંસદ છું. લોકો પરિવર્તન નહીં પરિણામ જોઈ રહ્યા છે અને વિકાસનાં અનેક કાર્યો કરવામાં આવ્યા છે. પાર્ટીનું સંગઠન જે નિર્ણય કરશે તેને શિરોમાન્ય ગણીશું અને વધુમાં વધુ લીડથી જીતાડવાના પ્રયાસો કરીશું.
જ્યારે નીતિન ભજીયાવાળાએ કહ્યું કે પાર્ટી દ્વારા સોંપાતી દરેક જવાબદારી સ્વીકારવા મારી તૈયારી છે. હોદ્દાની રેસમાં કદી જોડાયો નથી. પાર્ટી યોગ્ય નિર્ણય કરશે.
દર્શના જરદોષ અને નીતિન ભજીયાવાળા ઉપરાંત સુરતના પૂર્વ ડેપ્યુટી મેયર ધીરુભાઈ સવાણી, ઓલપાડના માજી ધારાસભ્ય કિરીટ પટેલ તથા કરંજના પૂર્વ ધારાસભ્ય જનક બગદણાવાળાએ પણ દાવેદારી નોંધાવી હતી.