Assam: આસામમાં ઉઠી અનામતની માંગણી, મોરાન અને મોટોક દ્વારા આંદોલન, આસામ બંધ
Assam: આસામના ડિબ્રુગઢ અને તિનસુકિયા જિલ્લામાં મોરાન અને મોટોક સંગઠનો દ્વારા 12 કલાકના બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બંધના એલાનનાં કારણે આજે તમામ દુકાનો, વેપારી સંસ્થાઓ, સરકારી અને ખાનગી ઓફિસો અને બેંકો બંધ રહી હતી. જો કે, શાળાની બસો, પરીક્ષા માટે જતા વિદ્યાર્થીઓ અને ઇમરજન્સી સેવાઓ સંબંધિત વાહનોને રોકવામાં આવી રહ્યા નથી. મોરન અને મોટોક સંગઠનો બંને સમુદાયો માટે અનુસૂચિત જનજાતિ (ST)નો દરજ્જો આપવાની માંગ કરી રહ્યા છે.
બંધને સફળ બનાવવા માટે, હજારો વિરોધીઓએ રસ્તાઓ બ્લોક કરી દીધા હતા અને વાહનોને રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર ચાલવા દીધા ન હતા. દેખાવકારોએ રસ્તા પર ટાયરો પણ સળગાવી દીધા હતા. આ દરમિયાન પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે હવામાં બે રાઉન્ડ ફાયરિંગ કરવું પડ્યું હતું.
મળતી માહિતી મુજબ, પ્રશાસને આ બંધ સામે કડક આદેશ જારી કર્યા હતા, પરંતુ દેખાવકારોએ આ આદેશોની પરવા કર્યા વિના બંધનો અમલ કર્યો હતો. હજુ સુધી એકપણ આંદોલનકારીની અટકાયત કરવામાં આવી નથી. આ આંદોલન આસામના મોરાન, મોટોક, ચૂટિયા, તાઈ-અહોમ, કોચ-રાજબોંગશી અને ચાઈ આદિવાસીઓ દ્વારા ST દરજ્જાની લાંબા સમયથી માંગણીનો એક ભાગ છે. આ સમુદાયોને સરકાર દ્વારા ઘણા વર્ષોથી એસટીનો દરજ્જો આપવાનું વચન આપવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
આંદોલનકારી સંગઠનોનું કહેવું છે કે સરકારે તેમને વારંવાર આશ્વાસન આપ્યું છે, પરંતુ હવે તેમને માત્ર સાચા અને નક્કર પગલાંની જ જરૂર છે. AMSU પ્રમુખ પુલેન્દ્ર મોરાને જણાવ્યું હતું કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનશે.