અરૂણાચલ પ્રદેશના ઈટાનગર ખાતે જાહેરસભાને સંબોધતા કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ ફરી વાર ચોકીદાર ચોરને લઈ વડાપ્રધાન મોદી સહિત ભાજપના તમામ નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા અને મૈં ભી ચોકીદારની ઠેકડી ઉડાડી હતી. તાજેતરમાં વડાપ્રધાન મોદી અને ભાજપના નેતાઓએ પોતાના નામની આગળ ચોકીદાર શબ્દને જોડી દીધો હતો જેને લઈ રાહુલ ગાંધીએ મજાક કરી હતી.
રાહુલ ગાંધીએ કહ્યું કે હવે બધા ચોકીદાર થઈ ગયા છે. 2014માં તેઓ કહેતા હતા કે હું એક માત્ર ચોકીદાર છું અને 2019માં ભાજપના તમામ નેતાઓ ચોકીદાર થઈ ગયા છે. હવે હોલસેલમાં ચોરી થાય છે. બે દિવસ પહેલાં દેશમાં જગ્યાએ જગ્યાએ ચોકીદાર ફૂટી નીકળ્યા છે. ભગવાન ભલું કરે દેશને આવા ચોકીદાર ઉભા થઈ ગયા છે. ચોકીદારે ફ્રાન્સમાં જઈને ફ્રાન્સના રાષ્ટ્રપતિને કહ્યું કે હું દરવાજે ઉભો છું 30 હજાર કરોડ રૂપિયા અનિલ અંબાણીને આપી દેવામાં આવે.
રાહુલ ગાંધીએ પીએમ નરેન્દ્ર મોદીની દેશભક્તિ પર વાકપ્રહાર કરતાં કહ્યું કે જ્યારે પીએમ મોદી ગુજરાતમાં ચીનના રાષ્ટ્રપતિ સાથે હિંચકે ઝૂલી રહ્યા હતા ત્યારે ચીન ડોકલામમાં ધૂષણખોરી કરી રહ્યું હતું અને વડાપ્રધાન ચૂપ હતા. દેશમાં નફરતનું રાજકારણ નહીં ચાલવા દઈશું.
તેમણે કહ્યું કે કોઈને પણ અંદરો અંદર લડવા દેવામાં આવશે નહીં. ચોકીદારે નારો આપ્યો હતો કે કોંગ્રેસમૂક્ત ભારત. આ નારો એટલા માટે આપ્યો હતો કે ચોકીદાર કોંગ્રેસની વિચારધારાને નહીં પણ દેશની એકતાને ખતમ કરવા માંગતા હતા અને તેઓ નોર્થ-ઈસ્ટને પણ અન્યાય કરી રહ્યા છે. કોંગ્રેસની સરકાર બની તો અરૂણાચલને સ્પેશિયલ દરજ્જો ફરી પાછો આપવામાં આવશે.