Jason Gillespie: આકિબ જાવેદનું પત્તું કપાયું! PCBએ આપ્યો સ્પષ્ટ સંદેશ, જેસન ગિલેસ્પીને લઈને મોટા સમાચાર
Jason Gillespie: પાકિસ્તાન ક્રિકેટમાં મુખ્ય કોચનો મુદ્દો ભારે ગરમાયો છે. જેસન ગિલેસ્પીનો કાર્યકાળ જોખમમાં હતો. પરંતુ હવે પીસીબીએ આ મુદ્દે સ્પષ્ટ સંદેશ આપ્યો છે.
Jason Gillespie પાકિસ્તાન ક્રિકેટમાં અત્યારે બધું બરાબર નથી ચાલી રહ્યું. ટીમના પ્રદર્શન સિવાય મુખ્ય કોચને લઈને પણ અનેક પ્રકારના સમાચારો સામે આવી રહ્યા છે. તાજેતરમાં, પાકિસ્તાનના લાલ બોલના મુખ્ય કોચ જેસન ગિલેસ્પીને પણ ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે હંગામી સફેદ બોલના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. જે બાદ સમાચાર આવ્યા કે ઓસ્ટ્રેલિયા સામેની છેલ્લી T20 મેચ બાદ ગિલેસ્પીને મુખ્ય કોચ પદ પરથી હટાવવામાં આવશે. જે બાદ આકિબ જાવેદ ગિલેસ્પીની જગ્યા લેશે. પરંતુ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ ટ્વિટ કરીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મુકવાનો પ્રયાસ કર્યો છે.
જેસન ગિલેસ્પી પર PCBનો નિર્ણય
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હાલમાં જ જેસન ગિલેસ્પીને ટેસ્ટ ટીમના મુખ્ય કોચ પદેથી હટાવવાની અટકળો પર પૂર્ણવિરામ મુકવાનો પ્રયાસ કર્યો છે. પીસીબીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક નિવેદન જારી કરીને સ્પષ્ટ કર્યું છે કે ગિલેસ્પી આગામી દક્ષિણ આફ્રિકા ટેસ્ટ શ્રેણી સુધી ટીમના કોચ તરીકે રહેશે. જો કે, બોર્ડે એ સ્પષ્ટ કર્યું નથી કે ગિલેસ્પી 2026 સુધી તેનો કોન્ટ્રાક્ટ પીરિયડ પૂરો કરશે કે નહીં, જેના કારણે ચર્ચાનું બજાર વધુ ગરમાયું છે.
પીસીબીએ પોતાના નિવેદનમાં કહ્યું કે, “જેસન ગિલેસ્પી સાઉથ આફ્રિકા સામેની બે રેડ બોલ મેચ માટે ટીમના કોચ રહેશે.” ટેસ્ટ શ્રેણી જાન્યુઆરી 2025માં રમાશે.
શું આકિબ જાવેદ બનશે આગામી મુખ્ય કોચ?
પીસીબીના આ નિવેદન છતાં જેસન ગિલેસ્પીના ભવિષ્ય પર શંકા યથાવત્ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પૂર્વ પાકિસ્તાની ફાસ્ટ બોલર આકિબ જાવેદને તમામ ફોર્મેટમાં પાકિસ્તાની ટીમના કોચ તરીકે નિયુક્ત કરવાની જોરદાર ચર્ચા ચાલી રહી છે. માનવામાં આવી રહ્યું છે કે દક્ષિણ આફ્રિકા પ્રવાસ બાદ જાવેદ ટેસ્ટ ટીમની કમાન સંભાળી શકે છે. જાવેદને ODI અને T20 ફોર્મેટના કોચ તરીકે નિયુક્ત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
ગિલેસ્પીના મુખ્ય કોચનો મુદ્દો શા માટે ઉભો થયો?
વાસ્તવમાં, PCBએ જેસન ગિલેસ્પીને ચેમ્પિયન્સ ટ્રોફી 2025 સુધી વ્હાઇટ બોલ ટીમના કોચ બનવાની ઓફર કરી હતી. પરંતુ ગિલેસ્પીએ આ જવાબદારીને નકારી કાઢી હતી કે તેના વર્તમાન પગારમાં કોઈ વધારો થયો નથી. આ પછી સમાચાર આવવા લાગ્યા કે પીસીબીએ આકિબ જાવેદનો સંપર્ક કર્યો અને હવે તે ટૂંક સમયમાં તમામ ફોર્મેટમાં મુખ્ય કોચની ભૂમિકામાં જોવા મળી શકે છે.