અમદાવાદ ખાતે TV-9ના પત્રકાર ચિરાગ પટેલના મોતના કારણ પર હજુ રહસ્યના વાદળો ઘેરાયેલા છે ત્યારે પરિવારજનોએ નવો ધડાકો કર્યો છે. ચિરાગના ભાઈ જૈમિન પટેલે આક્ષેપ કર્યો હતો કે ભાજપના બે સાંસદોના ફંડને લઈ ચિરાગે આરટીઆઈ માંગી હતી અને તેના કારણે ચિરાગની હત્યા કરવામાં આવી હોવાની શંકા જૈમિને વ્યક્ત કરી છે.
બીજી તરફ અમદાવાદના ઝોન-5ના ડીસીપી અક્ષય રાજ ચિરાગે આત્મહત્યા કરી હોવાની વાતને સતત દોહરાવી રહ્યા છે. પરંતુ આત્મહત્યાની કોઈ થિયરી અને સાંયોગિક પુરાવા આત્મહત્યા થઈ હોવાની વાતને સમર્થન આપી રહ્યા નથી. આ ઉપરાંત પરિવારજનોએ સ્પષ્ટ રીતે કહ્યું છે કે ચિરાગને કોઈ માનસિક તાણ કે દબાણ હતું નહીં અને તે પોતે પોતાના શરીરે આગ લગાડી આત્મહત્યા કરે તેવા પ્રકારનો પણ હતો નહીં. તે જુસ્સા અને જોમથી કામ કરનારો હતો.
જૈમિને મીડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં કહ્યું કે ચિરાગે અમદાવાદનાં ભાજપના બે સાંસદોનાં લોકલ એરિયા ડેવલોપમેન્ટ સ્કીમ હેઠળ વપરાયેલા ફંડના ઉપયોગ અંગે આરટીઆઈ હેઠળ માહિતી માંગી હતી. એક સાંસદ તો અભિનેતામાંથી સાંસદ બન્યા છે જ્યારે બીજા સાંસદનાં ફંડના ઉપયોગ અંગે પણ ચિરાગે સંબંધિત વિભાગ પાસે માહિતી માંગી હતી.
મહત્વની વાત એ છે કે ચિરાગે આત્મહત્યા કરી હોય તો તેનો મોબાઈલ ક્યાં ગયો, બીજી બધી વસ્તુઓ જેવી કે વોલેટ, આઈ-કાર્ડ વગેરે તેની લાશથી નજીકમાં મળી આવ્યા હતા અને મોતનો સમયગાળો પીએમ રિપોર્ટ પ્રમાણે શુક્રવારે સાડા ચાર વાગ્યાની આસપાસનો હોવાનું તારણ કાઢવામાં આવ્યું છે ત્યારે બીજા દિવસ સુધી બધી વસ્તુઓ મળી આવી પણ મોબાઈલ મળી આવ્યો નથી. પોલીસની આત્મહત્યાની થિયરી જરાય ગળે ઉતરી રહી નથી.
હવે કેસની તપાસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે ત્યારે ગુજરાતભરના પત્રકાર જગતને આશા છે કે ચિરાગ પટેલના મોત પરથી સંપૂર્ણપણે પરદો ઉંચકાશે અને દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તેમજ કસુરવાર લોકોને ચોક્કસ શોધી કાઢવામાં આવશે.