નવી દિલ્હી : લોકસભા ચૂંટણી 2019 પ્રથમ તબક્કાના મતદાન પહેલાં ‘પીએમ નરેન્દ્ર મોદી’ ફિલ્મ રિલીઝ કરવામાં આવનાર છે. ફિલ્મ વડાપ્રધાન રાજકીય જીવન પર આધારિત હોવાનું કહેવાય છે. તાજેતરમાં ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જે બાદ કેટલાક દર્શકોએ આ ફિલ્મ 2019ની શ્રેષ્ઠ કોમેડી ફિલ્મ હોવાનું કહી વ્યંગ કર્યો હતો. જેને લઈને સોશિયલ મીડિયામાં ચર્ચા ચાલી રહી હતી ત્યાં બીજી તરફ હવે બોલીવુડના જાણીતા ગીતકાર જાવેદ અખ્તરે વીટ કરી ફિલ્મના પોસ્ટરમાં પોતાનું નામ હોવા અંગે આશ્ચર્ય વ્યક્ત કરતા આ ફિલ્મને લઈને ફરી ચર્ચા ફેલાઈ છે.
હકીકતમાં ફિલ્મની ક્રેડિટ લાઈનમાં જાવેદ અખ્તરનો ગીતકાર તરીકે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જ્યારે તેણે ફિલ્મમાં કોઈ પણ પ્રકારનું યોગદાન આપ્યું નથી. તેમના ટ્વીટ્સ માં, તેમણે આ બાબતે જાણ કરવાની સાથે આશ્ચર્ય વ્યક્ત કર્યું છે. જાવેદ અખ્તરે લખ્યું હતું કે, “હું ફિલ્મ પોસ્ટરો પર મારું નામ જોઈને આશ્ચર્યમાં છું. મેં ફિલ્મ માટે કોઇ ગીતો લખ્યા નથી.”
Am shocked to find my name on the poster of this film. Have not written any songs for it ! pic.twitter.com/tIeg2vMpVG
— Javed Akhtar (@Javedakhtarjadu) March 22, 2019
ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું ડાયરેક્શન સરબજીત અને મેરીકોમ જેવી બાયોપિક ફિલ્મો બનાવી ચૂકેલા ઓમંગ કુમાર કરી રહ્યા છે. ફિલ્મમાં વિવેક ઓબેરોય વડાપ્રધાન મોદીની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ ખુબ ઝડપી બનાવવામાં આવી છે. જાન્યુઆરી ફિલ્મની જાહેરાત કરવામાં આવી અને હાલ આ ફિલ્મ રિલીઝ માટે તૈયાર પણ છે.
.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ બાયોપિકને આગામી મહિને એટલે કે 5 એપ્રિલે રિલીઝ કરવામાં આવશે, અગાઉ આ ફિલ્મને 12 એપ્રિલે રિલીઝ કરવામાં આવનાર હતી. ફિલ્મમાં વિવેક ઓબેરોયના પાત્રને લઈને અત્યારથી જ મજાક ઉડાવવામાં આવી રહી છે. કારણ કે તેમની ડાયલોગ ડિલિવરી તેમજ તેનો લૂક વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી તદ્દન અલગ જણાઈ રહ્યો છે. જેને લઈને કેટલાક લોકો આ ફિલ્મને કોમેડી ફિલ્મ ગણાવી રહ્યા છે તો કેટલાક એવું કહી રહ્યા છે કે આ ફિલ્મ માત્ર ‘ભક્તો’ (ભાજપના કાર્યકરો) જ જોવા જશે. હવે જોવાનું રહેશે કે, ફિલ્મ રિલીઝ થાય ત્યારે આ ફિલ્મ દર્શકોને સિનેમાઘર સુધી ખેંચી જવામાં કેટલી સફળ રહે છે.