દાદરા નગર હવેલીના કોંગ્રેસ પ્રમુખ મોહન ડેલકરે કોંગ્રેસને મોટો ઝટકો આપ્યો છે. સેલવાસના સાયલી ગામે કાર્યકર સંમેલનમાં મોહન ડેલકરે ભાજપ અને કોંગ્રેસને પડકાર ફેંકી અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરતાં કોંગ્રેસમાં સોપો પડી જવા પામ્યો છે.
અત્રે યાદ રહે કે મોહન ડેલકરે વડાપ્રધાન મોદીની સેલવાસ મુલાકાત દરમિયાન તેમની સાથે સ્ટેજ પર જોવા મળવાના કારણે ભાજપમાં જવાની અટકળોએ જોર પકડ્યું હતું. ત્યાર બાદ તેમના રાજીનામની અફવા પણ જોરમાં ચાલી હતી. આ તમામ અટકળો પર મોહન ડેલકરે ઠંડુ પાણી રેડી દઈ અપક્ષ તરીકે દાદરા નગર હવેલીની લોકસભા બેઠક પર લડવાની જાહેરાત કરી છે.
સાયલી ખાતે અંદાજે સાતથી આઠ હજાક કાર્યકરોની વચ્ચે ડેલકરે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી છે. ડેલકરની જાહેરાતથી કોંગ્રેસને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો પડ્યો છે. હવે કોંગ્રેસ માટે અહીંય કપરી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે જ્યારે ભાજપ માટે આસાની થઈ ગઈ હોવાની ચર્ચા ચાલી રહી છે.
