Vapi: વાપીમાં થઈ રહેલા વિકાસ કાર્યો, નામધામાં વીયર બનશે, રૂ. 50 કરોડના ખર્ચે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર બનશે
Vapi: વલસાડ જિલ્લામાં પ્રથમવાર ૯૮૦ થી વધુ બેઠકનું એસી ઓડિટોરીયમ વાપી વીઆઈએ દ્વારા અંદાજે રૂ. ૧૩ થી ૧૫ કરોડના ખર્ચે બનવા જઈ રહ્યું છે. નવા બનનારા આ ઓડિટોરિયમની ખાતમુહૂર્ત વિધિ રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રીશ્રી કનુભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવી હતી.
Vapi આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું કે, જ્યારે જ્યારે કોઈપણ પ્રોજેક્ટ લેવાની વાત આવી છે ત્યારે વીઆઈએની આખી ટીમે આગેવાની લઈ ટીમ વર્કથી પ્રોજેક્ટ પૂર્ણ કર્યા છે જે બદલ અભિનંદન આપુ છુ. ખાસ કરીને એ.કે.શાહ, મનુભાઈ અને રજનીશભાઈ જેવા વડીલોએ દરેક કામમાં સંપૂર્ણ સહકાર આપ્યો છે. સમગ્ર ગુજરાતમાં ગર્વ અનુભવાય તેવો ફિક્કીનો એવોર્ડ વાપીને મળ્યો છે. ફેકટરી અને પોલ્યુશનના નિયમો પાળીને ઉદ્યોગકારો પ્રગતિ કરી રહ્યા છે જે મોટી વાત છે. વાપીને બેસ્ટ ઈન્ડસ્ટ્રીયલ પાર્ક તરીકેનો એવોર્ડ પણ મળ્યો છે જે નાની વાત નથી.
ડીપ સી પાઈપલાઈન રૂ. 200 કરોડના ખર્ચે નાંખવાની હતી
જેમાં હવે માત્ર ૨૦ ટકા જ આપવાના રહેશે. વાપીમાં વર્ષ ૧૯૭૫ થી ચોમાસામાં અંબા માતા મંદિર, જૈન મંદિર અને જ્ઞાનધામ સ્કૂલ પાસે બે ત્રણ દિવસ સુધી પાણી ભરાઈ રહેતુ હતું. આ વર્ષે અભૂતપૂર્વ વરસાદ પડ્યો પણ બિલખાડીમાં પાણી ન આવતા પાણીનો ભરાવો થયો ન હતો. હવે જીઆઈડીસીમાં વાપીનું પાણી પણ ન આવે તે માટે વીઆઈએ ચાર રસ્તાથી બિલખાડી સુધીની ડ્રેનજ સંપૂર્ણ રીતે તૈયાર થઈ ગઈ છે જેનાથી પણ ઘણો ફાયદો થશે એવુ મંત્રીશ્રીએ જણાવ્યું હતું.
વધુમાં તેમણે વાપીમાં થઈ રહેલા વિકાસ કાર્યો બાબતે કહ્યું કે, હાલ ચોખ્ખુ પાણી નદીમાં વહી જતુ હતું એટલે નામધા પાસે વીયર બનાવવાનું કામ રૂ. ૧૦૨ કરોડના ખર્ચે મંજૂર થયું છે. આ સિવાય સમગ્ર ગુજરાતમાં સૌપ્રથમ પારડીના ઉમરસાડી ખાતે ફલોટીંગ જેટ્ટી બનાવાઈ રહી છે. આ સિવાય પારડીમાં સાયન્સ કોલેજ બની રહી છે. બલીઠાનો બ્રિજ બે માસમાં ચાલુ થઈ જશે. જે ટાઈપનો બ્રિજ માર્ચના અંત સુધીમાં ચાલુ થશે એ રીતે વિકાસ કાર્યો પૂરજોશમાં હાથ ધરાઈ રહ્યા છે. વિકાસ કાર્યો વેળા લોકોએ જે ધીરજ રાખી છે તે બદલ સૌનો આભાર માનુ છું.
આરોગ્ય ક્ષેત્રનો ઉલ્લેખ કરી મંત્રીએ વધુમાં ઉમેર્યુ કે
વાપી તાલુકા પંચાયતની બાજુમાં હાઈવેને અડીને ૧૨૦ બેડની મલ્ટી હોસ્પિટલ બની રહી છે. લગભગ બે માળનું કામ પૂર્ણ થયુ છે. માર્ચ સુધીમાં બાકી કામ પણ પૂર્ણ થશે. વાપીમાં આગ લાગે, અકસ્માત થાય કે ધરતીકંપ આવે તો તેવા આકસ્મિક સમયે સ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર રૂ. ૫૦ કરોડના ખર્ચે વાપી જીઆઈડીસીમાં સ્ટેટ બેંકની સામે બનવા જઈ રહ્યુ છે. સૌ સાથે મળીને વિકાસના કાર્યો કરી રહ્યા છે જે બદલ આભાર માનુ છું.
વાપી વીઆઈએના માજી પ્રમુખ યોગેશભાઈ કાબરીયાએ
પ્રાસંગિક ઉદબોધનમાં મેરીલ ગૃપ સાથે ચર્ચા કરી સર્વાનુમતે આ નવા ઓડિટોરીયમનું નામ કનુ દેસાઈ વીઆઈએ ઓડિટોરીયમ આપવામાં આવશે એવી જાહેરાત કરી હતી. આ પ્રોજેકટ વાપી મેરિલ ગૃપ દ્વારા પાર પાડવામાં આવશે. આ ઓડિટોરીયમ વાપીનું ઘરેણુ સમાન ગણાશે. આધુનિક સુવિધાસભર આ ઓડિટોરીયમ નાટક અને સાંસ્કૃતિક સહિતની વિવિધ પ્રવૃતિઓ માટે ઉપયોગી બનશે.
આ પ્રસંગે વીઆઈએના પ્રમુખ સતિષભાઈ પટેલે કરી સૌને આવકારી જણાવ્યું કે, દક્ષિણ ગુજરાતમાં આઈકોનિક ઓડિટોરીયમ વાપીમાં બનશે. આ ઓડિટોરીયમનું નિર્માણ કાર્ય એક વર્ષમાં દેસાઈ કન્સ્ટ્રકશન દ્વારા પૂર્ણ કરાશે. આ ઓડિટોરીયમ બનાવી આપવા બદલ તેમણે મેરિલ ગૃપના એમડી અંજુમભાઈ બિલખીયા અને મંત્રી કનુભાઈ દેસાઈનો આભાર માન્યો હતો. ઓડિટોરીયમની રૂપરેખા વીઆઈએના સેક્રેટરી કલ્પેશભાઈ વોરાએ આપી હતી.
ખાતમુહૂર્ત વિધિ બાદ મંત્રી કનુભાઈ દેસાઈ અને વીઆઈએના હોદ્દેદારોએ વીઆઈએના કોન્ફરન્સ હોલમાં નવા બનનારા ઓડિટોરીયમની વિસ્તૃત વિગત પ્રેઝન્ટેશન દ્વારા મેળવી હતી. આ સમયે મંત્રીએ જરૂરી સૂચનો પણ કર્યા હતા.
આ પ્રસંગે વાપી પાલિકાના પ્રમુખ પંકજ પટેલ, વાપી નોટીફાઈડના સંગઠનના પ્રમુખ હેમંત પટેલ, મેરિલ ગૃપના નાનુભાઈ બાંભરોલીયા, કલ્પેશભાઈ બાંભરોલીયા, દેસાઈ કન્સ્ટ્રકશનના અપૂર્વ દેસાઈ, વીઆઈએના માજી પ્રમુખ અમૃતભાઈ શાહ ઉર્ફે મામા, વીઆઈએ એડવાઈઝરીના બોર્ડના મેમ્બર મિલનભાઈ દેસાઈ, એલ.એન.શેઠ અને ઉદ્યોગપતિ મહેન્દ્રભાઈ શાહ, વિક્રમભાઈ અને મેહુલભાઈ સહિતના ઉદ્યોગકારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.