ગુજરાતની કોલેજોમાં પરીક્ષા ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકાર નકલ કરવાની વાત કરતી અને મૈં ભી ચોકીદાર હોવાની ટેગ લાઈન લઈને લોકસભા ચૂંટણી સર કરવા નીકળેલા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીનો છોકરો ભાવનગની કોલેજમાં પેપર કોપી કરતા પકડાયો હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
એમ.જે.કોમર્સ કોલેજમાં લેવાઈ રહેલી બી.સી.એ. સેમ.-2ની પરીક્ષા દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ પ્રો. વાટલિયા દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયું હતું. એ વખતે પરીક્ષા આપી રહેલ મિત વાઘાણી પાસેથી 27 જેટલી કાપલીઓ પકડાઈ હોવાનું કહેવાય છે. મિતને છાવરવાના તમામ પ્રયાસો છતાં પ્રિન્સિપાલ વાટલિયાએ કોપી કેસ દાખલ કરી લીધો હોવાનું કહેવાય છે.
કોપી કેસના કાગળો યુનિવર્સિટી કાર્યાલય સુધી પહોંચે અને તેની સત્તાવાર નોંધ થાય એ પહેલાં ભાજપના નેતાઓના ફોનની ઘંટડીઓ રણકવા લાગી હતી અને યુનિ.માં ભેદી રીતે મીડિયાકર્મીઓ માટે અઘોષિત બંધી જેવી સ્થિતિ ઊભી કરી દેવામાં આવી હતી. આ અંગે પ્રિન્સિપાલ વાટલિયાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતાં તેમનો ફોન સતત સ્વીચ ઓફ આવ્યો હતો. તેમજ ભાવનગર યુનિ.ના વાઈસ ચા્ન્સેલર મહિપાલસિંહ ચાવડાનો સંપર્ક કરતાં તેમણે પણ ફોન રિસિવ કર્યો ન હતો. જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખે પોતે હાલ વ્યસ્ત હોવાથી પછી સંપર્ક કરવા જણાવ્યું હતું. જીતુ વાઘાણીના દિકરાનો સીટ નંબર 2121066 હોવાનું જાણવા મળી રહ્યું છે.