ભાવનગર યુનિર્વિસિટીની પ્રથમ સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષામા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના પુત્ર ચોરી કરતા પકડાઈ જતા ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનામાં ભારે હોબાળા બાદ જીતુ વાઘાણીએ દિકરા મીત મામલે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરવી પડી હતી. યુનિવર્સિટી દ્વારા સાત વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. મીત વાઘાણી સામે પણ કાર્યવાહી કરવામાં આવશે એવી યુનિવર્સિટી સંલગ્ન સૂત્રો જણાવી રહ્યા છે.
જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, નિયમ અને કાયદો તમામ માટે સમાન હોય છે. જેથી આજથી મારો પુત્ર મિત પરીક્ષા આપવા નહીં જાય. ગઇકાલે બનેલી ઘટના ખુબ ગંભીર છે. જેના લીધે અમારા પરિવારે નક્કી કર્યું છે કે તે આગામી પરીક્ષાઓ આપવા નહીં જાય.
ગઇકાલે જીતુ વાઘાણીના પુત્રને લઇને બનેલી ઘટનામાં મળતી માહિતી અનુસાર, ભાવનગર યુનિર્વિસટીની પ્રથમ સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીના પુત્ર ચોરી કરતા પકડાઈ જતા ભારે હોબાળો થયો હતો. પ્રદેશ ભાજપ અધ્યક્ષનો પુત્ર ચોરી કરતા પકડાઈ જતા ગુજરાતનું રાજકારણ પણ ગરમાઇ ગયું હતું. અલબત્ત યુનિ.ના કુલપતિ સત્તાવાર રીતે નામ જાહેર કર્યુ નહોતું. તેઓેએ માત્ર 7 વિદ્યાર્થીઓ સામે કોપીકેસ થયા હોવાનુ મીડિયા સમક્ષ જાહેર કર્યુ છે.
આ અંગે યુનિ.ના સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, ભાવનગર યુનિ.ની પ્રથમ ચરણની પરીક્ષાનો મંગળવારથી આરંભ થયો હતો. યુનિ.ની પ્રથમ ચરણની પરીક્ષામાં યુ.જી. સેમેસ્ટર-1, 3 અને- 5ના એટીકેટીના છાત્રો પરીક્ષા આપી રહ્યા છે. પ્રથમ ચરણની પરીક્ષામા 10 હજાર છાત્ર નોંધાયા છે , પ્રથમ ચરણની પરીક્ષા અંતર્ગત શહેરની સ્વામી વિવેકાનંદ કોલેજના છાત્ર મીત જીતુભાઈ વાઘાણી એમ.જે.કોલેજ ઓફ કોમર્સમાં સીટ નંબર-21210066 પરથી બી.સી.એ. સેમેસ્ટર-1ની પરીક્ષા આપી રહ્યો હતો. તે બીસીએ સેમેસ્ટર-1ની પરીક્ષાની ઉત્તરવહીમાં 27 પાનની માઈક્રો ઝેરોક્ષમાંથી લખતો હતો. મીત વાઘાણીને ઉત્તરવહીમાં કોપી કરતા હોવાનુ એમ.જે. કોલેજ ઓફ કોમર્સના બ્લોક સુપરવાઈઝરના ધ્યાન પર આવતા કોપીકેસ કર્યો હતો. તેની પાસેથી 27 જેટલી કાપલી મળી આવી હતી.
પ્રદેશ ભાજપ અધ્યક્ષનો પુત્ર ચોરી કરતા પકડાયાના અહેવાલો વહેતા થયા બાદ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો. ઘટનાના પગલે એનએસયુઆઈના છાત્ર નેતાઓ વી.સી.ને મળવા પહોચી ગયા હતા.અને તેઓએ તટસ્થ તપાસ કરવાની માંગણી કરી હતી.
આ ઘટના અંગે ભાવનગર યુનિવર્સિટીના સૂત્રોએ આપેલી જાણકારી પ્રમાણે જીતુ વાઘાણીના પુત્ર મીતને હવે પછીની કોઈ પણ પરીક્ષા આપવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત કોપી કેસ થતાં સમગ્ર રિપોર્ટ યુનિવર્સિટીને સુપરત કરવામાં આવશે અને ફોર્મ ભરાવડાવવામાં આવ્યો છે કે કોપી કરતા પકડાયા હોવાથી પરીક્ષમાંથી ઉઠાડી દેવામાં આવ્યા છે.
યુનિવર્સિટીની કોપી કેસની જોગવાઈ પ્રમાણે 6 મહિના સુધી મીત વાઘાણી પર કોલેજમાં પ્રતિબંધ સહિતની કાર્યવાહી કરવામાં આવશે. હાલ તો મામલો યુનિવર્સિટી પાસે પહોંચી ગયો છે. જીતુ વાઘાણી અને તેમના પરિવારે ભલે એમ કહ્યું હોય કે મીત હવે પછીની કોઈ પરીક્ષા આપશે નહીં પણ એ તો કાયદાકીય જોગવાઈમાં જ છે કે જો વિદ્યાર્થી કોપી કરતા પકડાય તો તેને ત્યાર બાદની કોઈ પરીક્ષા આપવાની રહેતી નથી અને 6 મહિના સુધી કોલેજ પ્રતિબંધ સહિતની સજા થઈ શકે છે.