ગુજરાતના પાટીદાર સમાજના યુવા નેતા હાર્દિક પટેલને ચૂંટણી લડવા અંગે મોટો ફટકો પડ્યો છે. ગુજરાત હાઈકોર્ટે ચૂંટણી લડવા અંગે હાર્દિક પટેલ દ્વારા મંજુરી આપવાની અરજી ફગાવી દેતા હાર્દિક સહિત કોંગ્રેસને ઝટકો લાગ્યો છે.
હાર્દિક પટેલ વતી હાઈકોર્ટના એડવોકેટ રફીક લોખંડવાલાએ લોકસભાની ચૂંટણી લડવા માટે અપીલ કરી હતી. વિસનગર કોર્ટ દ્વારા આપવામાં આવેલી સજાના ચૂકાદાના સસ્પેન્શનની માંગ કરવામાં આવી હતી અને હાર્દિકને ચૂંટણી લડવા દેવા માટે દાદ માંગવામાં આવી હતી. આ કેસની સુનાવણી સિનિયર કોર્ટના જસ્ટીસ ઉરાઝીની કોર્ટમાં કરવામાં આવી હતી.
હાર્દિક પટેલે કોંગ્રેસ જોઈન કર્યા બાદ કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે હાર્દિક પટેલ ચૂંટણી લડશે અને જીતશે પણ. હાર્દિક પટેલે કહ્યું હતું કે કાયદાકીય ગૂંચ ઉકેલાઈ જાય અને પાર્ટી આદેશ આપશે તો ચૂંટણી લડવા તૈયાર છે.
12મી માર્ચે અમદાવાદ ખાતે હાર્દિક પટેલે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધીની હાજરીમાં કોંગ્રેસમાં ભવ્ય પ્રવેશ મેળવ્યો હતો. હાર્દિક પટેલના કોંગ્રેસ પ્રવેશના કારણે કેટલાક નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને ભાજપે હાર્દિક પટેલની જામનગર લોકસભાથી લડવાની સંભાવનાનાં કારણે ત્યાંનાં કોંગ્રેસીઓમાં મોટાપાયા પર તોડ-જોડ કરી નાંખી છે. હવે હાઈકોર્ટે અરજી ફગાવી દેતા હાર્દિક પાસે સુપ્રીમ કોર્ટમાં જવાનો રસ્તો બચ્યો છે.
વિસનગરના કેસમાં દોષમુક્ત કરવાની માગ સાથે હાર્દિક પટેલે હાઇકોર્ટ સમક્ષ કરેલી અરજીમાં રાજ્ય સરકાર તરફથી એડવોકેટ જનરલે એવી દલીલ કરી હતી કે,‘લોકોની સેવા કરવા માટે ધારાસભ્ય કે સાંસદ બનવાની જરૂર નથી. મહાત્મા ગાંધી ક્યારેય ચૂંટણી લડ્યા નહોતા, તો પણ તેઓ દેશના રાષ્ટ્રપિતા બન્યા હતા. સામાજિક પ્રતિનિધિ હોવાથી અને લોકસભાની ચૂંટણી લડવી હોવાના કારણથી કોઇના દોષને સ્થગિત કરી શકાય નહીં. જો અરજદારને દોષિત ઠરાવવાના આદેશ પર સ્ટે ન અપાય તો તેમને શું નુકસાનકારક પરિસ્થિતિનો સામનો કરવો પડશે એ અરજદાર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.’ હાર્દિક તરફથી જણાવવામાં આવ્યું હતું કે,‘હાર્દિકને દોષિત ઠેરવવાના આદેશ પર શા માટે સ્ટે ન મૂકવો એની સ્પષ્ટતા સરકાર કરતી નથી.’ હાઇકોર્ટે બંને પક્ષની દલીલો સાંભળ્યા બાદ લેખિતમાં આ દલીલો રજૂ કરવાનું જણાવ્યું હતું.
આ કેસમાં ગુરુવારે રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ એવી રજુઆત કરી હતી કે,‘કોઇ પણ આરોપીને દોષિત ઠેરવવા આવે ત્યારે તેના પર અસાધારણ સંજોગોમાં જ સ્ટે અપાવો જોઇએ. સ્ટે આપતા પહેલાં કોર્ટે તમામ પાસાંઓને ધ્યાનમાં લેવા જોઈએ. માત્ર જે કેસની વાત થાય છે તે પૂરતું જ નહીં પણ આરોપીના ગુનાહિત ઇતિહાસને પણ ધ્યાને લેવો જોઈએ. અરજદારને મહિલાઓ માટે કોઈ માન નથી અન્ય સમૂદાયો માટે કોઈ માન નથી. તેને કાયદાનો ડર ન હોય તે પ્રકારની વર્તણૂક કરે છે. લોકશાહીમાં જાહેર જીવનમાં આવનારા લોકો સ્વચ્છ છબી વાળા હોવા જોઈએ. આવા લોકો લોક પ્રતિનિધિત્વ કરે તે લોકશાહી માટે યોગ્ય નથી. ‘લો-બ્રેકર’(કાયદો તોડનાર)ને ‘લો-મેકર’(કાયદો ઘડનાર) કઇ રીતે બનાવી શકાય’
