ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગુજરાત કોંગ્રેસના યુવા નેતા હાર્દિક પટેલની ચૂંટણી લડવા માટેની મંજુરી માંગતી અરજી ફગાવી દેવામાં આવ્યા બાદ હાર્દિક પટેલે કોર્ટના નિર્ણય અંગે પ્રતિક્રિયા આપી હતી. ગુજરાત હાઈકોર્ટમાં અરજી રિજેક્ટ થવાના પગલે હાર્દિક પટેલ અને કોંગ્રેસના નેતાઓએ આ અંગે પોતાના રિએક્શન આપ્યા હતા.
હાર્દિક પટેલે હાઈકોર્ટના ચૂકાદા અંગે કહ્યું કે હાઈકોર્ટના ચૂકાદાનું સ્વાગત કરું છું. પરંતુ બંધારણ વિરુદ્વ ભાજપ કામ કરી રહ્યું છે. કોંગ્રેસના 25 વર્ષના યુવા કાર્યકરને ચૂંટણી લડવાથી શા માટે અટકાવવામાં આવી રહ્યો છે. ભાજપના અનેક નેતાઓ પર કેસ ચાલી રહ્યા છે, સજા પણ થયેલી છે. પરંતુ કાયદો અમારા માટે જ બન્યો છે. છતાંય અમે ડરનારા નથી. સત્ય, અહીંસા અને પ્રમાણિકતા સાથે લોકોનો અવાજ ઉઠાવતા રહીશું. જનતાની સેવક કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવીશું. પાર્ટી માટે ગુજરાત સહિત દેશભરમાં પ્રચાર કરીશ. મારો ગુનો એટલો જ છે કે હું ભાજપની સમક્ષ ઝૂક્યો નથી. સત્તાની સામે લડી રહ્યો છું, તેનું આ પરિણામ છે.