Malegaon Case: માલેગાંવ કેસનાં અનુસંધાને અમદાવાદ અને મુંબઈમાં EDનાં દરોડા, 13.5 કરોડની રોકડ જપ્ત
Malegaon Case: ઈડીની ટીમ દ્વારા એક સાથે અમદાવાદ અને મુંબઈમાં સાત જગ્યાએ દરોડા પાડીને 13.5 કરોડની રોકડ જપ્ત કરી હતી. નાશિક મર્ચન્ટ કો-ઓપરેટીવ બેંક, માલેગાંવના કેસ સાથે સંબંધિત મામલે ઈડીએ કાર્યવાહી કરી હતી. મહારાષ્ટ્રના કેટલાક યુવાનોના બેંકખાતામાં એકસાથે 13.5 કરોડની રોકડ મળી આવતા ઈડીએ કાર્યવાહી કરી છે.
Malegaon Case મળતી માહિતી અનુસાર નાસિકની માલેગાંવ મર્ચન્ટ બેંકમાં 10 થી વધુ યુવાનોના ખાતામાં 12-15 કરોડ રૂપિયા જમા થયા હતાં. બીજી તરફ રાજ્યની વિધાનસભા ચૂંટણી પણ હતી. નાસિક ગ્રામીણ પોલીસે મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત પછી સહકારી બેંકમાં થાપણોના અચાનક મોટા ટ્રાન્ઝેક્શન પછી નાણાની હેરાફેરી અને ગેરરીતિ પાછળના કનેક્શનની તપાસ શરૂ કરી હતી.
સૌથી મહત્ત્વની વાત તો એ હતી મર્ચન્ટ બેંક ખાતાઓમાં ઓચિંતી કરોડોની થાપણ જમા થઈ હતી
અને તેના મૂળ સુધી જતા ખબર પડી કે કેટલાક બેરોજગાર યુવાનોના ખાતામાં 12 થી 15 કરોડની રકમ જાણ બહાર જ જમા થઈ છે. એકસાથે આટલી મોટી રકમ જમા થવાના મેસેજ પણ યુવાનોના મોબાઈલમાં આવતા ચોંકી ઊઠ્યા હતાં. આ મામલે પોલીસને જાણ કરાતા સમગ્ર રોકડની હેરાફેરી ક્યાંથી થઈ તેની તપાસ ઈડીએ શરૂ કરી હતી. તેનું પગેરૂ મુંબઈ અને અમદાવાદ સુધી લંબાયું હતું.
પ્રાથમિક તપાસમાં છેલ્લા 15 દિવસની અંદર જ 125 કરોડના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું ખુલ્યું છે. આ નાણાની હેરાફેરી કરવા માટે એકથી વધારે ટ્રેડીંગ કંપનીઓ ખોલીને આવા બેરોજગાર યુવાનોના બેંક ખાતાનો ઉપયોગ કરાયો હતો જે યુવાનોને ખબર જ નહોતી. તપાસ એજન્સીને શંકા છે કે આ નાણા ચૂંટણી ફંડ માટે મોકલ્યા હોવાની શક્યતા છે. હાલમાં મળી રહેલી માહિતી મુજબ માલેગાંવ માર્કેટ કમિટીમાં નોકરી અપાવાની લાલચ આપીને કેટલાક યુવાનો પાસેથી આધાર અને પાનકાર્ડ લઈ લેવાયા હતાં અને તેમના ડોક્યુમેન્ટના આધારે બોગસ બેંક ખાતાઓ ખોલીને તેમાં કરોડો રૂપિયા જમા કરાયા હતાં.