વલસાડ-૨૬ બેઠક પર ફોર્મ ભરવા આવેલા ભાજપના ઉમેદવાર કેસી પટેલ(ડો. ખાલપાભાઇ પટેલ)ની હાજરીમાં મોટી બબાલ સર્જાણી હતી. ફોર્મ ભર્યા બાદ ભાજપનાં મીડિયા સેલના જિલ્લા પ્રમુખ અને વલસાડનાં ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે સોશિયલ મીડિયામાં ફોટો અપલોડ કરવા અંગે શરૂ થયેલી વાતચીત ઉગ્ર બોલાચાલી પર પહોંચી ગઈ હતી ત્યાર બાદ ગાળાગાળી અને છેલ્લે મારામારી સુધી મામલો પહોંચી ગયો હતો. વાત આટલેથી અટકી ન હતી પણ ધારાસભ્ય ભરત પટેલના નજીકના સગા અને વલસાડ તાલુકા મીડિયા સેલના મીહિર પટેલે પારસ દેસાઇને તમાચા ઠોકી દેતાં વાતાવરણ ઉગ્ર બની ગયું હતું. જોકે, ત્યારબાદ ધારાસભ્ય ભરત પટેલ વચ્ચે પડતા મામલો વધુ ગરમાયો હતો. ધારાસભ્ય ભરત પટેલે બધું નેવે મૂકીને જે પ્રકારે ગાળાગાળી કરી તે જોઈને ભાજપના નેતાઓ અને કાર્યકરો ડઘાઈ ગયા હતા. મામલો વધુ બગડે તે પહેલાં ભાજપનાં અન્ય નેતાઓએ બંનેને છુટા પાડી મામલો શાંત પાડ્યો હતો. પરંતુ ફોર્મ ભરવાનાં ટાણે જ શરૂ થયેલી આ બબાલ લાંબી ચાલશે એવું માનવામાં આવી રહ્યું છે.
લોકસભાની ચૂંટણીમાં વલસાડ બેઠક માટે આજે ઉમેદવારી ફોર્મ ભરવા આવેલાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડો. ખાલપાભાઇ પટેલે જેવું ઉમેદવારી ફોર્મ જિલ્લા ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું કે તુંરત જ જિલ્લા ચૂંટણી અધિકારીની કચેરીની વિજળી ડૂલ થઇ જતાં ક્ષણભર માટે અંધકાર સાથે સન્નાટો છવાઇ ગયો હતો. જોકે, તુરંત જ વિજળી આવી જતાં ચૂંટણી અધિકારી સહિતના તમામે હાશકારો અનુભવ્યો હતો. ભાજપના આગેવાને જણાવ્યું હતું કે વિજળી ડૂલ થઇ તે શુકન કહેવાય કે અપશુકન તેના માટે જ્યોતિષને મળવું જ પડશે.