સુરત લોકસભાના ભાજપના ઉમેદવાર દર્શના જરદોષ માટે સ્થિતિ સાનુકુળ નથી તેવો પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે દર્શના જરદોષે આજે બુધવારે ફોર્મ ભરી દીધું હતું. પોતાના નજીકના કાર્યકરો સાથે પહોંચીને દર્શના જરદોષે ચૂંટણી અધિકારી સમક્ષ ફોર્મ ભરી દેતા ભાજપ સહિત તમામ ચોંકી ઉઠ્યા છે કે દર્શના જરદોષે આવું કેમ કર્યું.
હકીકત એવી છે કે દર્શના જરદોષ સાંઈ ભક્ત છે અને સાંઈબાબાના શૂભ દિવસ તરીકે ગુરુવારને માને છે. આવતીકાલે તેઓ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની હાજરીમાં શક્તિ પ્રદર્શન કરી ફોર્મ ભરવાની ઔપચારિકત પૂર્ણ કરશે. બીજું એ કે ગુરુવારે ચૌદશ હોવાથી આજે બુધવારે વિજય મૂહૂર્તમાં ફોર્મ ભરી દીધું હતું.
આવતીકાલે ફોર્મ ભરવાની ઔપચારિકતા સાથે દર્શના જરદોષ પોતાનું શક્તિ પ્રદર્શન કરશે. વાસ્તે તેમણે એડવાન્સમાં ફોર્મ ભરી દીધું હતું. દર્શના જરદોષને ટીકીટ મળતા ભાજપના કેટલાક આગેવાનો સખત નારાજ હોવાની અટકળો ચાલી રહી છે. હવે જોવાનું એ છે કે આવતીકાલે શક્તિ પ્રદર્શનમાં દર્શના જરદોષ સાથે કોણ કોણ હાજર રહે છે. ફોર્મ ભરવા ઉપરાંત જરદોષે લાલદરવાજા ખાતે પોતના મધ્યસ્થ કાર્યાલયનો પ્રારંભ પણ કરી દીધો છે.