IND W vs WI W: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે રચ્યો ઈતિહાસ, મંધાના-ઘોષના જોરે તોડ્યો સૌથી વધુ T20 સ્કોરનો રેકોર્ડ
IND W vs WI W ભારતની મહિલા ક્રિકેટ ટીમે વધુ એક ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. ભારતીય ટીમે મુંબઈમાં રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 60 રને હરાવીને તેની સૌથી મોટી T20 ઈનિંગનો રેકોર્ડ તોડ્યો છે. આ જીત સાથે ભારતે ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી લીધી છે.
IND W vs WI W પ્રથમ બેટિંગ કરતા ભારતે 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 217 રન બનાવ્યા, જે ટીમ ઈન્ડિયાનો અત્યાર સુધીનો સૌથી મોટો T20 સ્કોર બન્યો. પ્રથમ બેટિંગ કરતા સ્મૃતિ મંધાનાએ શાનદાર 77 રન બનાવ્યા હતા, જ્યારે રિચા ઘોષે પણ 54 રન બનાવીને ટીમને મજબૂત સ્કોર તરફ દોરી હતી. મંધાનાએ પોતાની ઇનિંગમાં 47 બોલમાં 13 ચોગ્ગા અને 1 છગ્ગા ફટકાર્યા હતા, જ્યારે ઘોષે 21 બોલમાં 3 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 54 રન બનાવ્યા હતા.
ભારતીય મહિલા ટીમનો સર્વોચ્ચ T20 સ્કોર 201 રન હતો
જે તેણે UAE સામે રમ્યો હતો. આ સિવાય ઈંગ્લેન્ડ સામે તેનો સર્વોચ્ચ સ્કોર 198 રન હતો જે હવે ત્રીજો સૌથી મોટો સ્કોર બની ગયો છે.
ભારતની ઈનિંગ બાદ વેસ્ટ ઈન્ડિઝે પડકાર રજૂ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભારતીય બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું અને વેસ્ટ ઈન્ડિઝને 157 રનમાં આઉટ કરી દીધું, જેના કારણે ભારતે 60 રનથી મેચ જીતી લીધી.
સ્મૃતિ મંધાનાને આ શ્રેણીમાં તેના શ્રેષ્ઠ પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ સિરીઝ’નો એવોર્ડ મળ્યો હતો. મંધાનાએ 3 મેચમાં કુલ 193 રન બનાવ્યા અને ત્રણ અડધી સદી ફટકારી, જેનાથી તે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની.
આ ઐતિહાસિક જીત ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માટે વધુ એક ગર્વની ક્ષણ છે, જે દર્શાવે છે કે તેઓ વિશ્વ ક્રિકેટમાં પોતાનું સ્થાન મજબૂત કરી રહી છે.