મહારાષ્ટ્રમાં ઝડપથી રાજકીય સમીકરણો આકાર લઈ રહ્યા છે. ખાસ કરીને ઠાકરે ફેમિલીના ફાયર બ્રાન્ડ નેતા રાજ ઠાકરે કોંગ્રેસ-એનસીપીના ઉમેદવારોનો પ્રચાર કરવાનું એલાન કરતાં રાજકીય ગરમાટો આવી ગયો છે. અટકળો ચાલી રહી છે કે રાજ ઠાકરે મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાનું કોંગ્રેસમાં વિલીનીકરણ કરી દેશે કે શું? જોકે, મનસેના સૂત્રો આ વાતને બિનપાયેદાર ગણાવી રહ્યા છે.
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના(મનસે)ના પ્રમુખ રાજ ઠાકરે લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના ઉમેદવારો માટે પ્રચાર કરશે . ભાજપના સહયોગી શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેના પિતરાઈ ભાઈ રાજ ઠાકરેએ પોતાના ઉમેદવાર ચૂંટણીમાં ઉતાર્યા નથી. ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે રેલીઓ કરવા જઈ રહ્યા છે. તે કોંગ્રેસ-એનસીપીના પક્ષમાં ઘણી સીટો પર પ્રચાર માટે જશે.
રાજ ઠાકરે કોંગ્રેસ-એનસીપી ગઠબંધનના પક્ષમાં રેલીઓની શરૂઆત કરી શકે છે. તે ઘણા મુખ્ય કોંગ્રેસ નેતાઓ સાથે મંચ શેર કરતા જોવા મળશે. રાજ ઠાકરે દક્ષિણ મુંબઈમાં મિલીન્દ દેવરા, ઉત્તરી મુંબઈમાં અભિનેત્રી ઉર્મિલા માતોંડકર અને ઉત્તર-મધ્ય મુંબઈમાં પ્રિયા દત્ત માટે પ્રચાર કરવાના છે. આ સિવાય રાજ ઠાકરે કોંગ્રેસના નેતા સુશીલ કુમાર શિંદે, શરદ પવારના પુત્રી સુપ્રિયા શૂલે, છગન ભૂજબળના પુત્ર સમીર ભુજબળ અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અશોક ચૌહાણ માટે ચૂંટણી પ્રચાર કરવાના છે.