Gujarat weather forecast: રાજ્યમાં અચાનક વરસાદની આગાહી: 27-28 ડિસેમ્બરે ઠંડી સાથે વરસાદનું સંકટ
27 અને 28 ડિસેમ્બર દરમિયાન ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી, લોકોને સ્વેટર સાથે રેઇનકોટની પણ વ્યવસ્થા રાખવાની સલાહ
અરબસાગરમાંથી ભેજના પ્રવાહને કારણે તાપમાનમાં 2-3°C જેટલું વધશે અને હળવો વરસાદ વરસી શકે
Gujarat weather forecast: ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઠંડી વચ્ચે હવે વરસાદ પણ સ્થિતિ બગાડશે, એવામાં સ્વેટર સાથે રેઈનકોટની વ્યવસ્થા કરવી જરૂરી બની શકે છે. હવામાન વિભાગે 27 અને 28 ડિસેમ્બર માટે છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે, જે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો લાવશે.
બે દિવસમાં મોટો પલટો જોવા મળશે
હવામાન વિભાગના અનુમાન અનુસાર આગામી પાંચ દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ યથાવત રહેશે, પરંતુ 27 અને 28 ડિસેમ્બરના રોજ કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.
27 ડિસેમ્બર: આ વિસ્તારોમાં વરસાદ
27 તારીખે મુખ્યત્વે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. તેમાં દ્વારકા, પોરબંદર, મોરબી અને ભાવનગર જિલ્લાઓનો સમાવેશ થાય છે.
28 ડિસેમ્બર: આ વિસ્તારોમાં છાંટા
28 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પૂર્વ ગુજરાતના છોટાઉદેપુર અને દક્ષિણ ગુજરાતના નર્મદા, વલસાડ, દમણ અને નગર હવેલીમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.
કોલ્ડવેવનો પારો ત્રણ શહેરમાં
છેલ્લા 24 કલાકમાં નલિયા, પોરબંદર અને રાજકોટમાં કોલ્ડવેવનો પારો અનુભવાયો છે. નલિયામાં તાપમાન 5.8°C નીચા સ્તરે ગયું, જ્યારે પોરબંદર અને રાજકોટમાં તે અનુક્રમે 10.5°C અને 9.4°C નોંધાયું. અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન 14.4°C નોંધાયું છે.
તાપમાનમાં મોટો ફેરફાર નહીં
આગામી ત્રણ દિવસ સુધી તાપમાન યથાવત રહેશે, પરંતુ તેના બાદ ભેજવાળા પવનોના કારણે તાપમાન બે થી ત્રણ ડિગ્રી વધી શકે છે. અરબ સાગરમાંથી આવનારા ભેજ અને પૂર્વ પવનના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદની શક્યતા છે.